મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ   ભારત દેશમાં બેન્કોમાં કરવામાં આવતી ડીપોઝીટનો વૃદ્ધિ દર છેલ્લા ૫૫ વર્ષમાં સૌથી ઓછો નોંધાયો છે. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં લોકોએ વર્ષ ૧૯૬૩ પછી સૌથી ઓછા ૬.૭ ટકાના દરે બેન્કોમાં રૂપિયા જમા કરાવ્યા છે. જેમાં નોટબંધીની નકારાત્મક અસર સહીત બેન્કોના કૌભાંડ અને કેસની અછત થતા લોકોએ બેન્ક સિવાય મ્યુચુઅલ ફંડ અને અન્ય રોકાણના વિકલ્પોમાં વધારે રૂપિયા રોક્યા હોવાનું અનુમાન છે.

ભારતભરમાં આવેલી બેન્કોમાં નોટબંધીની જોવા મળેલી અસરના કારણે બેન્ક ડિપોઝિટ વૃદ્ધિ દર છેલ્લા ૫૫ વર્ષોમાં સૌથી ઓછો નોંધાયો છે. ગયા માર્ચ-૨૦૧૮માં  પુરા થયેલા નાણાકીય વર્ષમાં લોકોએ માત્ર ૬.૭ ટકાના દરે રૂપિયા જમા કરાવ્યા છે. જે વર્ષ ૧૯૬૩ પછી સૌથી ઓછો વૃદ્ધિ દર છે. માર્ચ-૨૦૧૭ સુધી બેન્કો પાસે કુલ જમા રકમ ૧૦૮ લાખ કરોડ હતી તે હવે માર્ચ-૨૦૧૮ના અંતે ૧૧૭ લાખ કરોડ થઇ છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં બેન્કનો વૃદ્ધિ દર સૌથી ઓછો રહેવાનું કારણ એક રિપોર્ટ અનુસાર નોટબંધી પણ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી બેન્ક સિવાય મ્યુચુઅલ ફંડ અને અન્ય રોકાણોના વિકલ્પોમાં લોકોએ વધારે રૂપિયા રોક્યા છે.

નવેમ્બર-૨૦૧૬માં નોટબંધી થયા પછી બેન્કોમાં ૮૬ ટકા ડીપોઝીટ આવી હતી, પરંતુ હવે લગભગ દોઢ વર્ષ બાદ નોટબંધીની ઉંધી અસર બેન્કો પર પડી છે. તેમાં બેન્કોના કૌભાંડ પણ જવાબદાર લાગી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર નોટબંધી પછી જે રૂપિયા બેન્કોમાં ઠલવાયા હતા. તે રૂપિયા છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં નીકાળવામાં આવ્યા છે. એ જ રીતે થોડા સમયથી બેન્કોમાં કેસની સર્જાયેલી અછતમાં પણ બેન્કોમાંથી મોટી માત્રામાં રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનું કારણ હોવા સાથે કેસની તંગીના કારણે લોકોએ ત્રણ ગણા રૂપિયા પણ ઉપાડ્યા છે.