મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિનપ્રતિદિન નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અકસ્માતની ઘટનાઓનો સિલસિલો યથાવત રહેતા ભિલોડા તાલુકાના ભાણમેર ગામ નજીક ગામના જ પલ્સર બાઈકના ચાલક યુવકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ નજીક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ બાજુમાં આવેલા મકાનની દીવાલ સાથે બાઈક ભટકાયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક સહીત ત્રણ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે મોત નિપજતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કરી મુકતા ભારે ગમગીની છવાઈ હતી. ભિલોડા પોલીસે અકસ્માતની ઘટનાના પગલે ઘટનાસ્થળે પહોંચી ત્રણે યુવકોના મૃતદેહને પી.એમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભાણમેર ગામનો નિર્મલ રમેશભાઈ ગામેતી (ઉં.વર્ષ-૨૨) તેનું પલ્સર બાઈક લઈ તેના મિત્ર અર્જુન ગલજી ભાઈ પરમાર (ઉં.વર્ષ-૨૦) અને અલ્પેશ રમેશચંદ્ર કલાસવા (ઉં.વર્ષ-૧૮) સાથે બુધવારે રાત્રીના ૯ વાગ્યાના સુમારે ગામ નજીકથી પસાર થતા સમયે પુરપાટ ઝડપે બેફામ રીતે બાઈક હંકારી બાઈક ચાલકે બાઈક ઝાડ સાથે ધડાકાભેર ટકરાવી બાજુમાં આવેલા મકાનની દીવાલમાં ઘુસાડી દેતા બાઈક ચાલક યુવક સહીત પાછળ બેઠેલા બંને યુવકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ગામના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા.

એક સાથે ગામના ત્રણ યુવકો અકસ્માતમાં મોતને ભેટતા પરિવારજનો અને ગામ હીબકે ચઢ્યું હતું. ભિલોડા પોલીસે અકસ્માત સ્થળે પહોંચી ભિલોડા પીએમ કરાવી ત્રણે મૃતક યુવાનોના મૃતદેહ પરિવારજનોને સોંપતા હૈયાફાટ રુદન કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું. ભિલોડા પોલીસે ભાણમેર ગામના રમેશ ભાઈ જીવાભાઈ ગામેતીની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.