મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ આટકોટ બસ સ્ટેન્ડ પાસે બમ્પ ન હોવાથી વાહન ચાલકો બેફામ દોડી રહ્યા છે અને અવારનવાર ટ્રાફિકજામ થઈ જાય છે. ત્યારે આજરોજ સવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બેકાબુ બનેલા ટ્રકે ચાની કેબીનનો કડુસલો કાઢ્યો હતો. આ સમયે ત્યાં ચા પીતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. એટલું જ નહીં આ ટ્રકે બાપુનગર જતી  સુલતાનપુર-બાપુનગર રૂટની એસટી બસને પણ હડફેટે લીધી હતી.

મળતી વિગત મુજબ આજરોજ આટકોટના પાદરમાં એક ટ્રક બેકાબુ બનતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ટ્રક એસ.ટી. બસને હડફેટે લઈ નજીકમાં રહેલી કેબીન સાથે અથડાયો હતો. અને ચાની  કેબીનનો ભુક્કો કાઢી એક યુવાનને હડફેટે લેતા ત્યાં ચા પી રહેલા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જો કે આ જગ્યાએ કાનપર તરફ જીઇબીની 66 કેવીની લાઈન સાથે ન અથડાતા મોટી દુર્ઘટના ટળી હતી.