મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: રામકથાકાર મોરારીબાપુ પોતાની કથાની શૈલીની સાથે-સાથે સાદગી માટે જાણીતા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરારિબાપુએ ST બસમાં મુસાફરી કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. મહુવા ભાવનગર ઈન્ટરસીટી બસ નં.1102 સવારે મહુવાથી 7 કલાકે ઉપડી હતી. બસ તણસા પાસે પહોંચતા મોરારીબાપુએ તણસા સ્ટેન્ડ ઉપર બસ ઊભી રખાવી કન્ડકટરને ભાવનગર સુધી લઇ જવા કહ્યું હતું.

મોરારીબાપુની આ વાતથી ડ્રાઈવર અજયસિંહ અને કંડકટર જયંતિભાઈએ ભારે હર્ષોલાસ સાથે બાપુને આવકાર્યા હતા અને ભાવનગરના ભાગલી ગેટ સુધીનો પ્રવાસ કર્યો હતો. આ તકે બસમાં હાજર રહેલા અન્ય મુસાફરો પણ મોરારીબાપુની સાદગીથી ભારે પ્રભાવિત થયા હતા અને મુસાફરોએ બાપુ સાથે પોતાની સેલ્ફી ખેંચી હતી. આ દરમિયાન કોઈ મુસાફરે બાપુના બસ પ્રવાસનો વીડિયો મોબાઈલમાં શૂટ કર્યો હતો. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.