મેરાન્યૂઝ નેટવર્ક, ભાવનગર:  ભાવનગરના મહુવામાં તાજેતરમાં અંગત અદાવતમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા જયેશ ગુજરિયાની હત્યા થતાં છેલ્લાં કેટલાંક દિવસથી સમગ્ર માહોલમાં તંગદીલી વ્યાપી ગઈ છે. ગુરૂવારની રાતે મહુવામાં બે કોમના ટોળાઓ રસ્તા ઉપર આવી ગયા હતા અને મિલ્કતોને આગ ચાંપવાની શરૂઆત કરી હતી.. શહેરની સ્થિતિને ધ્યાનમાં લેતા ભાવનગરના એસપી દ્વારા ઈન્ટરનેટ સેવા બંધ કરવા અંગે કલેક્ટર સામે માગણી કરી હતી, જેના આધારે કલેક્ટર હર્ષદ પટેલે જાહેરનામાનું બહાર પાડી સમગ્ર મહુવામાં સાત દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો છે.

જયેશ ગુજરિયાની હત્યા પાછળ નવરાત્રીમાં થયેલો ઝઘડો કારણભુત હતો. તાજેતરમાં પોતાના મિત્રો સાથે બેઠેલા જયેશ ઉપર કેટલાંક ઈસમોએ પાઈપ અને છરી વડો હુમલો કરતા જયેશ ગુજરિયા ગંભીર રીતે ઘવાયા હતા. જયેશ ગુજરિયા ઉપર હુમલો થયો છે તેવી જાણકારી મળતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા કારણ જયેશ  વિશ્વ હિન્દુ પરિષદના ભાવનગરના પ્રમુખ હતા , જયેશનું સારવાર  દ્વારા મોત નિપજયુ હતું. જયેશના અંતિમ સંસ્કારમાં દસ હજાર લોકો આવ્યા હતા. હત્યામાં સામેલ ભાવનગરના કુખ્યાત ગેંગસ્ટર વલીના સંબંધીઓ હોવાને કારણે વાતારવરણ તંગ બન્યુ હતું. સ્થાનિકોમાં ઉશ્કેરાટ જોવા મળતો હતો.

આ બનાવના પ્રત્યાઘાત પડશે તેવી દહેશતને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સને સંવેદનશીલ વિસ્તારમાં ગોઠવી દીધો હતો. પરંતુ ગુરૂવારની રાતે બંન્ને કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મિલ્કતો અને વાહનોને આગ લગાડી પથ્થરમારો શરૂ કર્યો હતો. સ્થળ ઉપર હાજર પોલીસ અધિકારીઓએ ટોળાને વિખરેવા માટે 25 કરતા વધુ અશ્રુવાયુના સેલ છોડ્યા હતા. આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા ઉપર વિવિધ પ્રકારની આફવાઓ પણ વહેતી થઈ હતી, જેને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા કલેક્ટર સમક્ષ ઈન્ટરનેટ સેવા બંધ કરાવી દેવાની માગણી કરતા કલેક્ટરે ઈન્ટરનેટ સેવા સાત દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.