મેરાન્યૂઝ નેટવર્ક. ભાવનગર : શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી ભાજપ અગ્રણી બિલ્ડરનું ચાર શખ્સો દ્વારા અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તુરંત કાર્યવાહી કરીને અપહૃતને માત્ર 90 મિનિટમાં છોડાવી લીધા હતો. જો કે અપહરણકારો દ્વારા યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે આ મામલે એક આરોપીને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી યોગેશભાઈ બાલાશંકર ધાંધલ નામના 50 વર્ષીય ભાજપ અગ્રણી બિલ્ડરને 4 શખ્સો મારૂતિ વાન નંબર GJ-4/BE/605માં ઉઠાવી ગયા હતા. આ ઘટનાના ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સ્કૂટરમાં જઇ રહેલા યોગેશભાઈને મોઢા પર રૂમાલ બાંધીને આવેલા 4 શખ્સો જબરદસ્તી ઉઠાવી જઇ મારૂતિ વાનમાં નાખી રહ્યા છે. બનાવ અંગે પોલીસને જાણ કરાતા જ પોલીસ હરકતમાં આવી હતી અને તરત જ યુવાનની ભાળ મેળવવા કવાયત આદરી હતી. 

દરમિયાન અપહરણકારો યોગેશભાઈને કાળિયાબીડ વિસ્તારમાં લઈ ગયાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે SOG, LCB સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બાતમી અનુસારના મકાનમાં દરોડો પાડી ફિલ્મી ઢબે યોગેશભાઈને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવી લીધાં હતા, પરંતુ અપહરણકારોએ તેમને ઢોર માર માર્યો હોવાને પગલે તેઓ ઘાયલ થઈ જતા પોલીસે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. SOG, LCBએ અપહરણકારો પૈકી એકને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.