મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ અમદાવાદની 8 ધોરણ પાસ  ભાવેશ્રી દાવડાએ ડાંગમાં તો અનેક આદિવાસી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી જ છે. ત્યાં બીજી એક છેતરપિંડી સપાટી પર આવી છે. ભાવેશ્રી દાવડાએ એક સંસ્થાના નામે કેદીઓના ઉત્કર્ષ માટે પોતે કામ કરવા માગતી હોવાનો પત્ર જે તે વખતે જેલના વડાને લખ્યો હતો. જેના આધારે લાજપોર જેલના કેદીઓના ઉત્કર્ષ માટે એમઓયુ કરી એ એમઓયુના આધારે બેંકમાંથી રૂ. 9 લાખની લોન લઈ લીધી. પછી કેદીના બદલે પોતાનો ઉત્કર્ષ કરી રફુચક્કર થઈ ગયાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમના સુરત એકમમાં નોંધાઈ છે.

લાજપોર જેલમાં કેદીઓ નાસ્તાની વસ્તુ બનાવે અને તેનું વેચાણ બજારમાં પોતાની કંપની કરશે એ રીતનું એમઓયુ બનાવ્યા બાદ તેનો દુરુપયોગ કરી રૂ. 9 લાખની છેતરપિંડી કરનારા ભાવેશ્રી દાવડા અન અંકિત મહેતાએ રાજ્યની અન્ય જેલોમાં પણ આ રીતે એમઓયુ બનાવ્યા બાદ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પૂરી શક્યતા છે. આ વાતને કેન્દ્રમાં રાખી સીઆઈડી ક્રાઇમની ટીમે એ દિશામાં તપાસ શરૂ કરી છે. લાજપોર જેલના અધિક્ષક સાથે જે એમઓયુ બનાવ્યો તેમાં અંકિત મહેતાએ પોતાનું નામ મેહુલસિંહ વાઘેલા દર્શાવ્યું હતું.

ડાંગ જિલ્લામાં આદિવાસોઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા ભાવેશ્રી દાવડા અને અંકિત મહેતા સામે સીઆઇડી ક્રાઇમમાં પણ ગુનો નોંધાયો છે. જેમાં આ બન્નેએ જેલના અધિક્ષક સાથે એમઓયુ કર્યા બાદ તેનો દુરુપયોગ  કરી બેંકમાં તે એમઓયુ રજૂ કરી રૂ. 9 લાખની લોન લઈને છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ તા, 14-12-2015ના રોજ ભાવેશ્રી દાવડાએ રાજ્યના જેલ વિભાગના તત્કાલીન વડાને એક પત્ર પાઠવ્યો હતો. જેમાં પોતે ગિરનારી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે એમ.કે. ફૂડ્સ યુનિવર્સલ ગ્રુપ ઓફ કંપની જેલના કેદીઓના ઉત્કર્ષ માટે કામ કરવા માગે છે. જેમાં કેદીઓ બેકરીને લગતી વસ્તુઓ, ફરસાણ, ચિપ્સ, વેફર્સ વગેરેનું ઉત્પાદન કરશે અને તેનું વેચાણ આ કંપની કરશે. વર્ષાંતે નફાની બે ટકા રકમ કેદી વેલ્ફેર ફંડમાં આપવાનું નક્કી થયું હતું.

આ પત્રના આધારે તત્કાલીન જેલોના વડાએ રાજ્યની તમામ જેલના અધિક્ષકને એક પત્ર પાઠવી આ સંસ્થાને જેલના કાયદાની મર્યાદામાં રહી કેદીઓના ઉત્કર્શ માટેની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ગઈ તા. 26-5-2016ના રોજ ભાવેશ્રી દાવડાએ લાજપોર જેલના અધિક્ષકનો ફોન મારફતે સંપર્ક કરી તેમની કંપનીના સીઇઓ તરીકે મેહુલસિંહ એન. વાઘેલાને લાજપોર જેલમાં મોકલ્યો હતો. જ્યાં એમઓયુ કરાયા હતા.

આ એમઓયુમાં સ્થળ લાજપોર જેલ દર્શાવાયું હતું. આ એમઓયુનો દુરુપયોગ કરી એસબીઆઈ બેંકમાંથી પેકેજિંગ મશીન ખરીદવા માટે  રૂ. 9 લાખની લોન તા. 24-1-17ના રોજ લઈ લીધી હતી. જેમાં પોતાની ઓફિસનું સરનામુ લાજપોર જેલ દર્શાવ્યું હતું. વધુ તપાસ સીઆઇડી ક્રાઈમ સુરત એકમના પોસઈ એમ.એમ. સરવૈયા કરી રહ્યા છે.

બન્યું એવું કે ભાવેશ્રી દાવડા અને અંકિત મહેતા છેતરી ગયાનું જણાતા તા. 8-9-2016ના રોજ  અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલે રાજ્યની તમામ જેલના અધિક્ષકોને પત્ર પાઠવી ગિરનારી  નારી સેવા  ચેરિટેબલ ટ્રસ્ટને આપેલી મંજૂરી રદ્દ કરી હોવાનું અને આ સંસ્થાના કોઈ પણ સભ્યોને જેલમાં  પ્રવેશ નહીં આપવાની સૂચના અપાઈ હતી.

ડાંગ જિલ્લામાં પણ ભાવેશ્રી અને અંકિતે પોતાની સંસ્થાની ઓફિસ કલેક્ટર કચેરીમાં શરૂ કરી હતી અને અખબારમાં જાહેરાત આપી તેમાં સંસ્થાની ઓફિસનું સરનામુ કલેક્ટર કચેરી દર્શાવ્યું હતું. આ કિસ્સામાં પણ બેંકમાં લોન માટે જે ડોક્યુમેન્ટ રજૂ કરાયા તેમાં સંસ્થાનું સરનામુ લાજપોર જેલ દર્શાવામાં આવ્યું છે. આ મોડસ ઓપરેન્ડીના કારણે સરકારની અન્ય વહીવટી પ્રક્રિયામાં તેમજ લોન લેવામાં તકલીફનો સામનો કરવો પડતો નહીં.