મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિનય શાહ અને તેમના પત્ની ભાર્ગવી શાહ સામે  નોંધાયેલી ફરિયાદની તપાસ હવે સીઆઈડી ક્રાઈમ કરી રહી છે. ગુરૂવારના રોજ સીઆઈડી ક્રાઈમ સામે નાટયાત્મક રીતે હાજર થઈ ગયેલા ભાર્ગવી શાહે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજુ કરી 14 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટમાં થયેલી દલિલો અને પુરાવાને ધ્યાનમાં લેતા કોર્ટે ભાર્ગવી શાહને છ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ભાર્ગવીના પતિ  વિનય શાહની નેપાળ પોલીસે વિદેશી ચલણ કેસમાં ધરપકડ કરી હતી અને હાલમાં તે નેપાળ પોલીસની કસ્ટડીમાં છે.

વિનય શાહ અને ભાર્ગવી શાહે લાખો રોકાણકારોને ઉંચુ વળતર આપવાની લાલચ આપી 260 કરોડ રૂપિયા બજારમાંથી ઉધરાવ્યા હતા. આ રોકાણકારોને 5 સ્ટાર હોટલમાં બોલાવી ખાસ ક્રાર્યક્રમ પણ રાખવામાં આવતા હતા. આ ઉપરાંત ગ્રાહકોને લઈ આવનાર એજન્ટોને પણ વિશેષ ટુરમાં લઈ જવામાં આવતા હતા, જો કે એકના ડબલ જેવી આ સ્કીમમાં શરૂઆતમાં જે ગ્રાહકો થયા તેમને ફાયદો થયો પણ ત્યાર બાદ પૈસા મળવાનું બંધ થતાં હોબાળો શરૂ થયો હતો અને વિનય શાહ અને ભાર્ગવી ફરાર થઈ ગયા હતા.

વિનય નેપાળમાં પકડાઈ ગયા બાદ ભાર્ગવી શાહ સીઆઈડી સામે હાજર થઈ ગયા હતા. કોર્ટમાં ભાર્ગવીને રજુ કરી સીઆઈડીએ જણાવ્યું હતું. ભાર્ગવી પાસે ખરેખર કેટલું રોકાણ આવ્યું અને રોકાણ કયાં ગયું તેની માહિતી છે. કારણ વિનયની સાથે ભાર્ગવી તમામ કાર્યક્રમોમાં હાજર રહેતી હતી. ખરેખર તેમને ત્યાં રોકાણ કરનાર કોણ હતા અને તેમના રોકાણને કયાં રોકવામાં આવ્યુ હતું તેની વિગતો પણ મેળવવાની છે. વિનય ફરાર થયા બાદ તેમના ઘરની તાલાશી લેતા ત્યાંથી 43 લાખ રોકડ પણ મળી આવી હતી.

રોકાણો માટે જ્યાં પણ કાર્યક્રમ થયા તે તમામ સ્થળે ભાર્ગવીને સાથે રાખી તપાસ કરવાની છે, જેના કારણે 14 દિવસના પોલીસ રિમાન્ડની જરૂર છે. સીઆઈડીએ દ્વારા પોતાની રિમાન્ડ અરજીના સમર્થનમાં દસ્તાવેજો પણ રજુ કર્યા હતા. આ તમામ બાબતો ધ્યાનમાં લેતા કોર્ટે ભાર્ગવીને છ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે.