મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર:  રાષ્ટ્રીય સંતનો દરજ્જો પ્રાપ્ત ભૈયુજી મહારાજે કથિત રીતે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં આવેલ આશ્રમમાં આજે પોતાને ગોળી મારી દીધી. ઘટના બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા છે.

ભૈયુજી મહારાજે આત્મહત્યા કેમ કરી લીધી તેનો કોઈ ખુલાસો થયો નથી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ અને આશ્રમમાં એકત્ર થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભૈયુજી મહારાજે આજે મંગળવાર બપોરે ઇન્દોરમાં આવેલ સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના બંગલાના બીજા માળે પોતાને ગોળી મારી લીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી પારિવારી વિવાદના કારણે તેઓ ચિંતિત રહેતા હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં ભાજપની શિવરાજ સિંહ સરકાર દ્વારા મધ્ય પ્રદેશમાં જે પાંચ સંતોને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો તેમાં ભૈયુજી મહારાજ પણ સામેલ હતા. જો કે તેમણે આ ઓફરને ફગાવી દઇ મધ્ય પ્રદેશ સરકારમાં રાજ્ય મંત્રીનો દરજ્જો લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

નોંધનીય છે કે ભૈયુજી મહારાજને ભાજપના ટોચના નેતાઓ સાથે સારા સંબંધ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોદીએ સદભાવના ઉપવાસ કર્યા હતા અને આ ઉપવાસમાં ભૈયુજી મહારાજ સામેલ થયા હતા. ભૈયુજી મહારાજને રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિ અને બોલીવુડની હસ્તીઓ સાથે પણ ઘણા સારા સંબંધ રહ્યા છે.