મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે મંગળવારે ગ્રામ પંચાયતના જાહેર આર.ઓ પ્લાન્ટમાંથી પાણી ભરવા પહોંચેલા દલિત યુવાનને અટકાવી તેની અદાવત રાખી ગેરકાયદેસર મંડળી રચી યુવકના પરિવાર પર ઘાતક હુમલો કરતા ૪ લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. જૂથ અથડામણને પગલે પોલીસે દોડી આવી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સામા જૂથે મહિલાની છેડતી અને લૂંટની ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ડેમાઈ ગામના અગ્રણીઓએ ગામમાં શાંતિ જાળવવા બંને પક્ષોને સમજાવવા પ્રયત્નો હાથધર્યા હતા. ડેમાઈ ગામે અને બાયડ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના ટોળેટોળા ઉમટ્યા હતા.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, બાયડના ડેમાઈ ગામે રમેશભાઈ નરસિંહભાઇ મહેશ્વરી નો પુત્ર પ્રશાંત મંગળવારે ગ્રામ પંચાયતના જાહેર આર.ઓ પ્લાન્ટમાં પાણી ભરવા જતા પાણી ભરતો અટકાવી ઝગડો કરી એટલે થી ન અટકતા ઝગડાની અદાવત રાખી યક્ષ વિપુલભાઈ પટેલ,મનીષ દેવાભાઇ પટેલ, હર્ષ ઉર્ફે હકો ગિરીશભાઈ પટેલ,મિતેષ ગીરીશભાઈ પટેલ,માનુષ ગીરીશભાઈ પટેલ,દેવા ભાઈ પટેલ, કાંતિભાઈ બેચરભાઈ નો પૌત્ર, જીગ્નેશ અમૃત ભાઈ પટેલે હાથમાં ઘાતક હથિયારો સાથે ધસી આવી પ્રશાંત ભાઈ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી દેવાભાઇ પટેલે લક્ષ્મી બેનના પીઠના ભાગે ઘા ઝીંકી ગડદાપાટુનો માર મારતા ઇજાગ્રસ્તોને તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. હાલ ડેમાઈ ગામમાં અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે બાયડ પોલીસે રમેશભાઈ નરસિંહ ભાઈ મહેશ્વરીની ફરિયાદના આધારે દલિત પરિવાર પર હુમલો કરનાર ૮  શખ્શો સામે આઈપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જીપીએકટ કલમ-૧૩૫ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સામે પક્ષે ડેમાઈ ગામના માલવિકા બેન વિપુલ ભાઈ પટેલે રમેશભાઈ નરસિંહભાઇ મહેશ્વરીએ અને અન્ય અજાણ્યા શખ્શે મહિલાના ખેતરમાં પહોંચી એકલતાનો લાભ લઇ તું મને બહુ ગમે છે કહી બળજબરી કરી લાજ લેવાનો પ્રયત્ન કરતા મહિલાએ પ્રતિકાર કરતા રમેશભાઈ મહેશ્વરીએ મહિલાના ગળામાં પહેરેલા સોનાના દોઢ તોલાનો દોરો કીં.રૂ.૨૫૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૧૫૦૦/- કાઢી લઈ મહિલાનો પીછો કરી તેના ઘરે જઈ વિપુલભાઈ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થતા માલવિકાબેન પટેલે બાયડ પોલીસ સ્ટેશનમાં રમેશ મહેશ્વરી અને અન્ય અજાણ્યા શખ્શ સામે ફરિયાદ નોંધાવતા બાયડ પોલીસે ઇપીકો કલમ-૩૯૨, ૩૫૪, ૪૫૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.