મેરાન્યૂઝ નેટવર્ક, શ્રીનગર: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવાર મોડી રાતથી આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ જારી છે. જેમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે હજુ સુધી આ આતંકીઓના શબ મેળવી શકાયા નથી. મોડી રાતથી બંને તરફે ભારે ગોળીબાર થઇ રહ્યો છે અને હજુ પણ જારી છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળ્યા બાદ ગઇકાલ બુધવારથી સર્ચ ઓપરેશન જારી છે. આ દરમિયાન બધા એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સીલ કરી દરેક ઘરની તપાસ કરવામાં આવી રહી છે. બર્થકલા વિસ્તારમાં નાકાબંધી બાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કર્યું હતું. ઘટનાસ્થળની આસપાસના ઘર ખાલી કરી દેવાયા છે. મોડી રાત્રે કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવી ભાગી ન જાય તે માટે ફ્લડ લાઇટ્સની પણ વ્યવસ્થા કરાઇ હતી.

બીજી તરફ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના કિલૂરા મલિકગુંડ ગામમાં આતંકીઓ છુપાયાની બાતમી મળતા સુરક્ષાદળોઓ ગઇકાલે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો હતો જો કે કોઈ પણ આતંકી મળ્યો ન હતો.