મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પોતાના બેન્ક એકાઉન્ટમાં ન્યૂનત્તમ (મિનિમમ) બેલેન્સ ન રાખનારા લોકો દ્વારા વર્ષ 2017-18માં બેન્કોએ અંદાજીત 5,000 કરોડ રૂપિયા દંડ વસુલ્યો છે. તે લોકો જે પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ નથી રાખી શકતા તેમના માટે જન-ધન યોજના અંતર્ગત અંદાજીત 30.8 કરોડ બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા છતાં બેન્કો દ્વારા વસુલવામાં આવેલા દંડની રકમ ઘણી ઉંચી છે.

ભારતીય સ્ટેટ બેન્કે મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રાહકોને સૌથી વધુ દંડ કર્યો છે જે અંદાજીત 2,434 કરોડ રૂપિયા છે. 30 ટકા દંડ ભારતના 3 મોટા પ્રાઈવેટ બેન્ક્સ એક્સિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈએ વસુલ્યો છે.

નાણાકીય વર્ષ 2018માં દંડ બે ગણો થવાનું એક કારણ ભારતીય સ્ટેટ બેન્ક પણ છે. આ વર્ષે એસબીઆઈએ જે લોકો પોતાના ખાતામાં ન્યૂનત્તમ બેલેન્સ નથી રાખી શકતા તેમના પાસેથી ફરી દંડ વસુલવાનો શરૂ કર્યો છે.

ગ્રાહકોને મિનિમમ બેલેન્સ ન રાખવા પર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ.2434 કરોડ, એચડીએફસીએ રૂ.590 કરોડ, એક્સિસ બેન્કે રૂ.530 કરોડ, આઈસીઆઈસીઆઈ બેન્કે રૂ. 317 કરોડ અને પંજાબ નેશનલ બેન્કે રૂ. 211 કરોડનો જંગી દંડ વસુલ્યો છે.