મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એચડીએફસી બેન્કે ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર 100 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 1 ટકા સુધી વધારી દીધું છે. હવે એચડીએફસી બેન્કાના ગ્રાહકોને 1 વર્ષથી વધુ રકમ જમા કરવા પર 7 ટકા અને સિનિયર સિટિઝન્સને 7.5 ટકા વ્યાજ મળશે જ્યારે 1 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવનાર ગ્રાહક તેનાથી વધુ રિટર્ન મેળવી શકશે. ચાલો જાણીએ કે એચડીએફસી સિવાય અન્ય કઈ બેન્ક્સમાં ટર્મ ડિપોઝિટ પર હાલ કેટલું વ્યાજ મળે છે.

દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ હાલ એક વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછા સમય માટે જમા કરાયેલી રકમ પર સામાન્ય નાગરિકોને 6.40 ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકોને 6.90 ટકા સુધી વ્યાજ આપી રહી છે. જેના પછી દેશની બીજા નંબરની સૌથી મોટી બેન્ક અને હાલમાં જ નિરવ મોદીની ઘટનામાં ચર્ચામાં છવાયેલી પીએનબી (પંજાબ નેશનલ બેન્ક) હાલ 1 વર્ષથી વધુ અને ત્રણ વર્ષ સુધીની ટર્મ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને 6.75 ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા સુધી વ્યાજ આપી રહી છે.

એચડીએફસી બેન્ક હાલ 1 વર્ષ 17 દિવસથી 2 વર્ષ સુધીની ટર્મ ડિપોઝિટ પર 7 ટકા જ્યારે સિનિયર સિટિઝન્સને 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક હાલ 1 વર્ષથી 2 વર્ષના સમયગાળામાં ટર્મ ડિપોઝિટ પર 6.75 અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા વ્યાજ આપે છે. એક્સિસ બેન્કના ગ્રાહકોને એક વર્ષથી 13 મહિનાના ટર્મ ડિપોઝિટ પર 6.75, 13થી 14 મહિનામાં 6.75 14થી 15 મહિનામાં 6.90, 16થી 16 મહિનામાં 6.75, 16થી 17 મહિનામાં 6.75, 17થી 18 મહિનામાં 6.90 અને 18 મહિનાથી 2 વર્ષ સુધીમાં 6.90 ટકા વ્યાજ દરથી વ્યાજ આપવામાં આવે છે.

કેનેરાબેન્કના ગ્રાહકોને હાલ એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછા સમયની ટર્મ ડિપોઝિટ પર 6.45 અને સિનિયર સિટિઝન્સને 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. બેન્ક ઓફ ઈન્ડિયામાં વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછા સમયની ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ આપે છે. બેન્ક ઓફ બરોડા વર્ષથી વધુ અને 400 દિવસ સુધીની ડિપોઝિટ પર 6..75 ટકા જ્યારે 400થી વધુ અને બે વર્ષ સુધી માટે 6.60 ટકા વ્યાજ આપે છે.