મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જિલ્લાના વીંછિયામા ગુરૂવારે વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થનાર વેપારીને સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવના વિરોધમાં ગામના તમામ વેપારીઓ મેદાને આવ્યા હતા અને સજ્જડ બંધ પાળી રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આ સાથે જ પૂર્વ સરપંચે માત્ર બે દિવસમાં આરોપી ન ઝડપાય તો ભૂખ હડતાલ સહિતનું આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

જાણો શું હતો સમગ્ર મામલો

જસદણના વીંછીયા ખાતે 'રાજ ઓફસેટ' નામે દુકાન ધરાવતા મુકેશભાઇ રાજપરા ગતસાંજે જસદણ રોડ પર નવા બનતા શોપિંગ સેન્ટર પાસે મિત્રો સાથે બેઠા હતા. દરમિયાન અચાનક બોટાદ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર પુરપાટ વેગે ત્યાં ધસી આવી હતી અને કારમાંથી ઉતરેલા ત્રણ-ચાર અજાણ્યા શખ્સો પૈકીના એક શખ્સે મુકેશભાઈ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં તમામ શખ્સો તરત જ કારમાં બેસી પુરપાટ વેગે જસદણ બાજુ નાસી ગયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા મુકેશભાઈને સારવાર માટે રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા હતા.