મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના માટે આ વર્ષ ખુબ જ સરસ સાબિત થઇ રહ્યું છે. અંધાધુન ફિલ્મની જોરદાર સફળતા પછી “બધાઈ હો” ફિલ્મે પણ બોક્સ ઓફીસ ઉપર શાનદાર શરૂઆત કરી છે. આ ફિલ્મના રિપોર્ટ પ્રમાણે પહેલા દિવસની કમાણીમાં આયુષ્યમાનની આ ફિલ્મે તેની અગાઉની ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. દશેરાના વીકએન્ડમાં રજુ થયેલી આ ફિલ્મ આ ક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ખુબ જ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે કમાણીમાં નવા રેકોર્ડ બનાવવા જઈ રહી છે.

ટ્રેલર રીલીઝ થવા સાથે જ ચર્ચામાં આવેલી આ ફિલ્મને સમિક્ષકોએ પણ ખુબ જ પસંદ કરી છે. જેમાં લોકોને કોમેડી પણ ખુબ ગમી રહી છે. આ ફિલ્મના રિપોર્ટ પ્રમાણે બધાઈ હો.. એ પહેલા દિવસે જ રૂપિયા ૭.૨૯ કરોડની કમાણી કરી લીધી છે. કમાણીના આ આંકડા આયુષ્યમાનની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ છે. જો કે, હજુ સુધી આ ફિલ્મના સત્તાવાર આંકડા સામે આવ્યા નથી, પરંતુ આ અંદાજીત આંકડા તેની કમાણીના મૂળ આંકની આસપાસના જ છે.

બોલીવુડ હંગામાના એક રિપોર્ટ પ્રમાણે બધાઈ હો ફિલમની પહેલા આયુષ્યમાનની ફિલ્મોની પહેલા દિવસની કમાણી આ પ્રકારે છે... નૌટંકી શાળાએ ૩.૨૫ કરોડ, શુભ મંગલ સાવધાન એ ૨.૭૧ કરોડ, અંધાધુન એ ૨.૭ કરોડ, બેવકુફીયા એ ૨.૨૩ કરોડ તેમજ વિક્કી ડોનરે ૧.૮૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને ગુરુવારે જ રીલીઝ કરી દેવામાં આવી છે. જેમાં દશેરાના કારણે પાંચ દિવસનો વિકએન્ડ મળશે. આથી માનવામાં આવી રહ્યું છે કે, માત્ર ૨૦ કરોડમાં બનેલી આ ફિલ્મ દશેરા વિકએન્ડમાં બોક્સ ઓફીસ પર તુફાન લાવશે.      

દેશભરમાં ૨૦૦૦ સ્ક્રીન ઉપર રીલીઝ કરાયેલી આ ફિલ્મ વર્ષ ૨૦૧૮ની ટોપ-  ૧૦ ઓપનીંગ ઓક્યુપેંસીમાં જોડાઈ ગઈ છે. જેના કારણે સ્ક્રીનની સંખ્યા વધારવામાં આવે તેવી શક્યતા પણ છે. જયારે આ ફિલ્મની સામે રજુ થયેલી અર્જુન કપૂર અને પરીનણીતી ચોપરાની નમસ્તે ઇંગ્લેન્ડ ફિલ્મને નબળી માનવામાં આવી રહી છે. બોક્સ ઓફીસ ઉપર આ બધાનો ફાયદો આયુષ્યમાનને મળવાની સંભાવના છે. બધાઈ હો ફિલ્મનું નિદર્શન અમિત શર્માએ કર્યું છે. જ્યારે આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે નીના ગુપ્તા, ગજરાજ રાવ, સાન્યા મલ્હોત્રા, શીબા ચડ્ડા અને સુરેખા સીકરીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.