મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણ પેટાચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પ્રચારના છેલ્લા દિવસે બંને પક્ષની વિશાળ રેલી જસદણના રસ્તાઓ પર નિકળી હતી. આ તકે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાની કાર ભાજપની વિશાળ રેલીમાં ફસાઈ ગઈ હતી. આ તકે ભાજપના કાર્યકરો અને અવસર નાકિયા વચ્ચે તું તું મેં મેં થઈ હતી.

ભાજપની રેલીમાં ફસાયેલા અવસર નાકિયાને જોઈ ભાજપ કાર્યકરોના ભાજપ ભાજપના નારા લગાવ્યા હતા જેથી અવસર નાકિયાએ પણ કારનો કાચ ઉતારી કોંગ્રેસ જીતશે તેવો દાવો કર્યો હતો. નાકિયાએ કારને રસ્તો આપવાનું કહેતા ભાજપના કાર્યકરોએ તેમને ભાજપને મત આપવા જણાવતા મામલો ગરમાયો હતો. જો કે બાદમાં નાકિયાની કારને રસ્તો કરી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભાજપ-કોંગ્રેસની આ રેલીમાં ટ્રાફિકના હેલ્મેટ તેમજ સીટ બેલ્ટના નિયમોનો બંને પક્ષોએ ભંગ કર્યો હતો. ભાજપની સાથે જ કોંગ્રેસે પણ રેલી કાઢતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ગુસ્સે ભરાયા હતા અને મિડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ લુખ્ખાગીરી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ તમામ આરોપોને નકાર્યા હતા અને કોંગ્રેસની રેલી પૂર્વયોજિત હોઈ ભાજપે રેલીનું આયોજન કર્યું હોવાનો વળતો આક્ષેપ કરી કહ્યું હતું કે, જસદણની જનતા જ ભાજપને આનો જવાબ આપશે.