મેરાન્યૂઝ નેટવર્ક. સુરત: સુરતનો એક યુવાન અને પરિવારનો એકનો એક દિકરો ઓસ્ટ્રેલીયામાં ડૂબી જઈ મોતને ભેટતા સમગ્ર પરિવારે આધાર ગુમાવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ કથીરિયાના પરિવારનો કુળદિપક સાહિલ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ગયો હતો. તેનું સિડનીના નેશનલ પાર્કમાં ડૂબી જવાથી મોત થતા સમગ્ર પરિવાર દુખ અને આઘાતના દરિયામાં ડૂબી ગયો છે.

સુરત ખાતે કતારગામ વિસ્તારના કોટેશ્વર નગરમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથીરિયા મૂળ અમરેલી પાસે આવેલા સરસીયાના વતની છે. કન્સ્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા રાજેશભાઈ પટેલ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમનો દિકરો સાહિલ ૧૧ મહિના પહેલા જ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. અત્યારે બીજી ટર્મમાં અભ્યાસ કરી રહેલો સાહિલ આઈટીના બદલે સિવિલ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરવાનો હતો.

સાહિલની આ ઈચ્છા અધુરી જ રહી ગઈ છે. જેમાં કમનસીબે ગઈ ૨૯ તારીખે સાહિલ તેના મિત્રો સાથે સિડનીમાં આવેલા રોયલ નેશનલ પાર્કમાં ફરવા ગયો હતો. આ પાર્કમાં ન્હાતી વખતે અચાનક જ ડૂબી જતા સાહિલનું મોત નીપજ્યું હતું. જો કે સાહિલના પરિવારજનો એ પાર્કમાં ખુબ જ ઓછું પાણી હોવાથી ડૂબી જવાથી કેવી રીતે મોત થઇ શકે તેવી શંકાઓ સાથે પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે યુવકની લાશ પરત સ્વદેશ લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી અને આજે યુવકના અંતિમ સંસ્કાર થવાના હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.