મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજકોટનાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં પ્રમુખ ઉપ-પ્રમુખની એક કથિત ઓડિયો કલીપ વાયરલ થઇ છે. જેમાં ખોડલધામ તેમજ પાટીદાર સમાજ વિશે કરવામાં આવેલા વાંધાજનક ઉચ્ચારણો ને લઈને લેઉવા પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા ખોડલધામ વધુ એકવખત ચર્ચામાં આવી છે. સમાજના અગ્રણીઓ દ્વારા જ સમાજ તેમજ ખોડલધામ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે.

શહેરના મવડી વિસ્તારની સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં પ્રમુખ વલ્લભભાઈ સતાણી અને ઉપપ્રમુખ ઝવેરભાઈ બુધેલીયાનાં નામ તથા તેમના ફોટા સાથે એક ઓડિયો કલીપ વહેતી થઇ છે. જેમાં આ બંને હોદ્દેદારો ખોડલધામ સંસ્થા સહિત પાટીદાર સમાજ માટે પણ અશોભનીય વિધાનો કહી રહ્યા છે. જેને લઈને સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. આ ઓડિયો કલીપમાં સરકારી નોકરી મેળવવા માટે મથતી વિદ્યાર્થીનીઓ સાથે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં પ્રમુખ ઉપ-પ્રમુખની વાતચીત રેકોર્ડ થઇ હોવાનું જણાઈ રહ્યું છે.

આ કથિત ઓડિયો ક્લીપમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં આ બંને હોદ્દેદારો બિન્દાસ્ત રીતે કહે છે કે સમાજનું કાઈ જ નથી.. સમાજ માટે આ નથી બનાવેલું... આ હોદ્દેદારો સાથે વિદ્યાર્થીનીઓ ફી મામલે દલીલ કરે છે. જેનો જવાબ પણ બંને ખુબ જ ઉદ્ધતાઈ ભરી રીતે આપે છે. લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટ ખોડલધામના પદાધિકારીઓની અહી બેઠક હોવા વિષે પણ બંને દ્વારા બેફામ વાણી વિલાસ કરાતો હોવાનું સ્પષ્ટ સાંભળી શકાય છે. વાત વાતમાં બંનેએ એવું પણ કહી દીધું છે કે, ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે.. એને પણ કાઢી મુકીએ.

હાલ તો વાયરલ થયેલ આ ઓડિયો કલીપને લઈ સૌરાષ્ટ્રનાં પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. જો કે આ ઓડિયોક્લીપમાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસનો વિષય છે. ત્યારે પાટીદાર સમાજમાં ખળભળાટ મચાવનાર આ કથિત ઓડિયો કલીપનું ખરેખર સત્ય શું ? શા માટે આ ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરાઈ? અને ખાસ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં હોદ્દેદારોએ કરેલા વાણી વિલાસમાં ખરેખર કેટલું તથ્ય છે તે તો તટસ્થ તપાસ બાદ જ જાણી શકાશે.