મેરાન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ: શહેરના લુખ્ખા તત્વોમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ગત સાંજે 5 થી 6 વાગ્યાના અરસામાં શહેરની રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં કપડા લેવા આવેલા ચાર શખ્શો પાસે વેપારીએ પૈસા માંગ્યા હતા. જેને લઈને ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ વેપારી ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં વેપારીએ પોલીસને જાણ કરવાનું કહેતા પોલીસને વિશે પણ બેફામ બોલવા લાગ્યા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે ગણતરીની કલાકોમાં ચારેયને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જૂનાગઢના માંગનાથ રોડ આવેલ ક્લાસીક રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં પહેલા બે શખ્સો આવી કપડાની ખરીદી કરવા લાગે છે. બાદમાં અચાનક અન્ય બે શખ્સો દુકાનમાં પ્રવેશી કપડા પેક કરવાનુ કહી પૈસા આપવાની બાબતે વેપારી સાથે રકઝક કરવા લાગે છે. એટલું જ નહીં અચાનક આ લુખ્ખાઓ વેપારી ભાઇઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા ધોકા વડે તૂટી પડે છે. ઘટના અંગે વેપારીની ફરિયાદને આધારે પોલીસે આ લુખ્ખાગીરી કરતા ચારેયને ગણતરીની કલાકોમાં દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.