દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા-અમેરિકા): અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે આગામી તા.28-29 જૂને દ્વિતીય ગુજરાતી જીવનસાથી પસંદગી સંમેલન (મેટ્રિમોનિયલ)નું આયોજન કરાયું છે. ગુજરાતી સમાજની એક્તા માટે યોજાનાર આ સંમેલનમાં માત્ર હિન્દુ ગુજરાતી પરિવારોના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. અત્રે એ નોંધનીય છે કે, ગયા વર્ષે ગુજરાતી સમાજની એક્તાને ચાર ચાંદ લગાડતા આ સંમેલનમાં અમેરિકાના 30 થી વધુ રાજ્યોમાંથી 218 ગુજરાતી યુવક-યુવતીઓ તેમના જીવનસાથી પસંદ કરવા ઉમટી પડ્યા હતા.
એટલાન્ટા સિટીમાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શનથી ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ ગોકુલધામ હવેલી ખાતે સંસ્કાર, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો સમયાંતરે યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતી હિન્દુ સમાજના યુવક-યુવતીઓ માટે ગોકુલધામ હવેલી, બ્રાહ્મણ સમાજ ઓફ જ્યોર્જિયા તેમજ ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-એટલાન્ટાના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે જીવન-સાથી પસંદગી સંમેલન (મેટ્રિમોનિયલ)નું આયોજન કરાયું છે.

ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, બ્રાહ્મણ સમાજના અગ્રણી પૂનમ ઠાકર અને  ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-એટલાન્ટાના અગ્રણી જયંતિ પટેલે જણાવ્યું હતું કે, બે દિવસીય આ કાર્યક્રમ અંતર્ગત શુક્રવાર તા.28 મીએ સાંજે મેટ્રિમોનિયલમાં ભાગ લેનાર યુવક-યુવતીઓ એકબીજાને ઓળખી-જાણી શકે તે માટે પરિચય હેતુ મિંગલ નાઇટ એન્ડ ડીનરનો કાર્યક્રમ થશે. જ્યારે શનિવાર તા.29 જૂને યુવક-યુવતીઓ સાથે ગૃપ મિટિંગ તેમજ વન ઓન વન મિટિંગ તેમજ યુવક-યુવતીઓના માતા-પિતા સાથે ગેટ ટુ ગેધરનું આયોજન કરાયું છે. 

આ જીવન સાથી મેટ્રિમોનિયલમાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરાયો છે. યુવક-યુવતીઓ તા.20 જૂન સુધી ગોકુલધામની વેબસાઇટ gokuldham.org તેમજ gujaratijeevansathi.org પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ભાગ લઇ શકે છે.