પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હજી દસ દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે વડોદરાના ધારાસભ્ય અને ધારાશાસ્ત્રી રાજેન્દ્ર  ત્રિવેદી સોંપવામાં આવ્યું, વિધાનસભામાં અધ્યક્ષ પદ કોને સોંપવાનું તે સત્તાધારી બહુમતી ધરાવતા પક્ષનો અધિકાર છે. જો વિરોધ પક્ષ તે પદ માટે પોતાનો કોઈ ઉમેદવાર ઊભો રાખવા માગે તો અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરવી પડે, વિરોધ પક્ષ પાસે બહુમતી નહીં હોવા છતાં તે ઉમેદવાર ઊભો રાખે છે તેનો અર્થ એવો કે સત્તાધારી બહુમતી પક્ષ દ્વારા જે ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો તેની ઉપર તેમને ભરોસો નથી. વિરોધ પક્ષ દ્વારા ઊભો રાખવામાં આવેલો ઉમેદવાર હારી જવાનો હોય તે નિશ્ચીત હોવા છતાં સત્તાધારી પક્ષના અધ્યક્ષ પદના ઉમેદવાર ઉપર તેમને ભરોસો નથી તેવું દર્શાવવા વિરોધ પક્ષ પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકે છે.

પણ રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સત્તાધાર પક્ષ ભાજપ દ્વારા સુચવવામાં આવ્યું અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રાજેન્દ્ર ત્રિવેદીના નામની દરખાસ્તને ટેકો આપ્યો હતો, તેનો અર્થ બહુ સ્પષ્ટ હતો કે રાજેન્દ્ર ત્રિવેદી ઉપર અમને ભરોસો છે અને તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વિધાનસભાની ઉચ્ચ પરંપરા જાળવવા માટે સક્ષમ છે તેવો અમે વિશ્વાસ વ્યકત કરીએ છીએ. વિધાનસભાના પહેલા જ દિવસે ભાજપ અને કોંગ્રેસે તેમને અધ્યક્ષ તરીકે આવકાર આપ્યો હતો અને વિધાનસભા શરૂ થઈ હતી, પણ હજી દસ દિવસ થયા અને કોંગ્રેસ દ્વારા રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ પદ માટે લાયક નથી તેવી લાગણી સાથે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી છે. વિરોધપક્ષની સંખ્યા નાની હોવાને કારણે જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત વિધાનસભામાં રજુ થશે ત્યારે ભાજપ પોતાની બહુમતીની તાકાત ઉપર તેને ફગાવી દેશે.

આમ છતાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચાલુ પણ રહે તેમ છતાં વ્યકિતગત રીતે રાજેન્દ્ર ત્રિવેદી માટે આ બાબત શરમજનક છે. જ્યારે કોઈ ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ તરીકે નક્કી થાય ત્યારે તે વર્તમાન પક્ષમાંથી રાજીનામુ આપે છે. તે દર્શાવે છે કે હવે હું કોઈ પણ પક્ષનો નથી અને વિધાનસભામાં કોઈ પણ પક્ષ લીધા વગર માત્રને માત્ર ગુણ-દોષના આધારે નિર્ણય કરીશ નહીં, રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ થતાં પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પોતાનું ભાજપનું સભ્ય પદ પાછું સોંપી રાજીનામું આપ્યુ હતું પરંતુ તેમના મનમાંથી ભાજપ પ્રત્યેના લગાવને તે છોડી શકયા નહીં, વિધાનસભા અધ્યક્ષની ગરીમાવાન ખુરશીમાં બેઠા પછી પણ તેઓ હજી ભાજપના જ છે તેવું ભાજપના નેતાઓને દર્શાવવા માટેના નિર્ણયો લેતા ગયા.

વિધાનસભામાં અસામાન્ય સ્થિતિ નિર્માણ થાય અને ગૃહ મોકુફ રાખવું પડે તો સમજાય પણ તેઓ પોતાની ચેમ્બરમાંથી આવી  અધ્યક્ષની ખુરશી ઉપર આવી  બેસે તે પહેલા વિધાનસભામાં કાર્યવાહીના આગોતરા આદેશો લઈ આવતા હોય તેવુ સ્પષ્ટ રીતે જોવા મળતું હતું. તેઓ અધ્યક્ષને બદલે માત્ર ભાજપ દ્વારા મળતા આદેશોનો અમલ કરાવવા આવતા હોય તેવું સામાન્ય માણસ જે પ્રેક્ષક ગેલેરીમાં બેસે છે તેમને પણ સમજાતું હતું. તેઓ વિધાનસભાના અધ્યક્ષ રહેવાને બદલે ભાજપના ટ્રબલ શૂટર બની ગયા હતા, રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની વફાદારી સાબીત કરવાની જરૂર  ન્હોતી, ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ પદ વિધ્વાન અને ઉમદા વ્યકિતને સોંપવામાં આવતું હતું, પણ છેલ્લા બે દાયકાથી જેમને પક્ષ રાજકીય રીતે ખતમ કરવા માગે છે તેવા ધારાસભ્યને અધ્યક્ષ પદ સોંપવાની શરૂઆત થઈ.

રાજેન્દ્ર ત્રિવેદીના કિસ્સામાં પણ તેવું હતું તેમની જ્ઞાન અને તેમની કુશળતા સામે કોઈ શંકા નથી, પણ ભાજપની વિજય રૂપાણીની સરકારે તેમને મંત્રીમંડળમાં સામેલ કર્યા ન્હોતા, તેનો સ્પષ્ટ સંદેશ હતો કે અમે તેમને પસંદ કરતા નથી, પરંતુ મંત્રીમંડળની રચના બાદ સ્થિતિ બદલાઈ વિરોધ થવા લાગ્યો અને નારાજ વ્યકિતઓને સમાવવાની ખાતરી આપવામાં આવી, જેમાં રાજેન્દ્ર ત્રિવેદીનો પણ સમાવેશ થયો હતો. તેમની નારાજગી દુર કરવા તેમને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા, રાજેન્દ્ર ત્રિવેદીને પ્રમુખ બનાવી તેમની નારાજગી દુર કરી અને રાજકીય રીતે તેમની તાકાતને નિયંત્રીત કરી હતી, આમ છતાં રાજેન્દ્ર ત્રિવેદી કયા સંજોગોમાં પોતાની વ્યકિતગત છાપને દાવ ઉપર લગાડી ભાજપ તરફ વફાદારી વ્યકત કરી રહ્યા છે તે સમજાતુ નથી.