પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હાલમાં ગુજરાત વિધાનસભાનું 14 સત્ર ચાલી રહ્યું છે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ જાણિતાના ધારાશાસ્ત્રી અને વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદ્દી સોંપવામાં આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદ્દી પોતે ધારાશાસ્ત્રી રહ્યા છે, તેમણે કાયદાની અનેક તડકી છાયડીઓ જોઈ છે, તેમણે ન્યાયાધીશની ખુરશી ઉપર બેસનાર અને ન્યાયાધીશોને પોતાના ગમા-અણગમા સાથે ન્યાય કરતા જોયા છે. આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ખુદ રાજેન્દ્ર ત્રિવેદ્દીને ગુજરાતના 182 જનપ્રતિનિધિઓએ વિધાનસભા ગૃહના ન્યાયાધીશની જવબાદારી સોંપી છે તે એટલે કે તેનો સીધો અર્થ એવો થાય કે ગુજરાતની છ કરોડની જનતાનો ન્યાય અને સુખાકારી મળે તે જોવાની જવાબદારી હવે વિધાનસભા અધ્યક્ષ તરીકે તેમની છે.

આજે રાજેન્દ્ર ત્રિવેદ્દી જે અધ્યક્ષની ખુરશી ઉપર બેઠા છે, ત્યાં કુંદનલાલ ધોળકિયા જેવા વિધ્વાન અધ્યક્ષ બેસતા હતા. મેં જોયેલા વિધાનસભા અધ્યક્ષ નટરવલાલ શાહ જેવા અધ્યક્ષ પણ હતા. જેઓ સત્તાધારી પક્ષના હોવા છતાં તેમને મંત્રીઓ તો ઠીક પણ મુખ્યમંત્રીઓને પણ ખખડાવતા જોયા છે. ખોટા જવાબ આપનાર, અધુરા જવાબ આપનાર અથવા ઉડાઉ જવાબ આપનાર મંત્રીઓનો નટવરલાલ શાહ ઉઘડો લઈ નાખતા હતા. અધ્યક્ષ નટવરલાલ શાહ ડાયસ ઉપરથી કહેતા હતા, કે સરકાર માનતી હશે કે હું વિરોધ પક્ષની તરફેણ કરૂ છું, પણ મારે મન સરકાર કરતા વિરોધ પક્ષ વધુ મહત્વનો છે કારણ તે પ્રજાના પ્રશ્નને વાચા આપે છે. હિંમતલાલ મુલાણી જ્યારે અધ્યક્ષ હતા અને એક પ્રસંગ એવો હતો કે કોંગ્રેસના શકિતસિંહ ગોહીલ અને ભાજપના મહેન્દ્ર ત્રિવેદ્દીને ત્યાં એક જ દિવસે જમણવાર હતો તો તેમણે શકિતસિંહને કહ્યું હું તમારા પક્ષનો સભ્ય હતો તેના કારણે હું તમારે ત્યાં જમવા આવીશ તો યોગ્ય કહેવાશે નહીં, માટે મારે મહેન્દ્ર ત્રિવેદ્દીને ત્યાં જવું પડશે અને તેઓ ત્રિવેદ્દીને ત્યાં જ ગયા હતા.

વિધાનસભા અધ્યક્ષ સત્તાધારી પક્ષમાંથી જ આવતા હોવા છતાં જ્યારે તેઓ અધ્યક્ષની ખુરશીમાં બેસે ત્યારે તેમને માત્ર તટસ્થ રીતે વ્યવહાર કરવાનો નથી, પણ તેઓ તટસ્થ છે તેવો અહેસાસ પણ વિરોધ પક્ષને અપાવવાનો હોય છે. પણ રાજેન્દ્ર  ત્રિવેદ્દી અધ્યક્ષ થયા પછી કયાંકને કયાંક તટસ્થ રહેવામાં અને વિરોધ પક્ષને તેનો અહેસાસ અપાવવામાં નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગે છે. ગુજરાત વિધાનસભા અને તેના અધ્યક્ષ પ્રત્યે પુરા આદર સાથે કેટલીક ઘટનાઓ હું અત્રે નોંધવા માગું છું, વિધાનસભા ગૃહ શરૂ થતાં પહેલા સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજા ગૃહના સંચાલનની ચર્ચા કરવા માટે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદ્દીને મળે તેમા કઈ ખોટું નથી, પણ ત્યાર બાદ ગૃહમાં અધ્યક્ષનો જે વ્યવહાર હોય છે તે સ્ક્રીપ્ટેડ હોય છે તેવું સાવ સામાન્ય માણસ જે પ્રેક્ષક ગેલેરીમાં બેઠો હોય તેને પણ દેખાય છે.

સોમવારના રોજ મહેસુલ વિભાગના પ્રશ્ન વખતે કોંગ્રેસના દંડક અમિત ચાવડાએ પ્રશ્ન પુછયો કે, વડોદરા જિલ્લાના મહેસુલના પાંચ વર્ષ બે વર્ષથી કેમ પડતર છે, જ્યારે ભાજપના યોગેશ પટેલેને પુછયું કે વડોદરામાં કેટલી સરકારી જમીન પચાવી પાડવામાં આવી છે. આ બંન્નેના પ્રશ્નનો ઉત્તર મહેસુલ મંત્રી કૌશીક પટેલે આપ્યા નહીં અને ગોળ ગોળ જવાબ આપ્યો, આ મામલે કોંગ્રેસે નારાજગી વ્યકત કરી પણ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદ્દીએ સાચા જવાબ આપવા માટે કૌશીક પટેલને સૂચના આપી નહીં. પાટણની આત્મવિલોપનની ઘટના અંગે 116ની નોટિસ હતી, આ પ્રશ્નો કોંગ્રેસ હોબાળો કરશે તેવો ડર સત્તાધારી પક્ષ ભાજપને હતો, જેના કારણે નોટિસ ગૃહમાં આવે તે પહેલા ભાજપના દંડક પંકજ પટેલે ભાજપના એક એક સભ્ય પાસે જઈ ખાનગી સૂચના આપી હતી.

જ્યારે આ મુદ્દે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી બોલવા માટે ઊભા થયા અને તેમણે વિજય રૂપાણી ઉપર આરોપ મુકયો, તેની સાથે અધ્યક્ષે તેમનું બાઈક બંધ કરી દેવાની સૂચના આપી હતી, વિજય રૂપાણીના ઉલ્લેખને કારણે એક સામટા ભાજપના સભ્યો ઊભા થઈ ગયા કદાચ તે દંડક પંકજ પટેલની ખાનગી સૂચનાનો અમલ હતો. ગૃહમાં કોઈ ધમાલ થઈ ન્હોતી, તેમ છતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદ્દીએ ગૃહને પોણા બે કલાક સુધી મોકુફ કરી દીધુ હતું, આમ ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાય નહીં તે જોવાની તસ્દી અધ્યક્ષે લીધી હતી. ફરી ગૃહ મળ્યુ ફરી ચર્ચા શરૂ થઈ, ભાજપ અને ખાસ કરી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પસંદ કરતા નથી. તેના કારણે જીજ્ઞેશ મેવાણીના એન્કાઉન્ટરનો મુદ્દો કોંગ્રેસના સભ્ય નૌશાદ સોંલકીએ ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો તેની સાથે અધ્યક્ષે તેમને અટકાવ્યા હતા.

અધ્યક્ષ માટે તમામ સભ્યો સરખા અને મહત્વના છે, જીજ્ઞેશને પ્રદિપસિંહ પસંદ કરતા નથી તેના કારણે જીજ્ઞેશને તો બોલાવાની તક ના મળે, પણ તેમના નામ સાથે પણ આખુ ભાજપ અને અધ્યક્ષ આભડછેટ રાખે તે યોગ્ય વ્યવહાર નથી. નૌશાદ સોંલકીના પ્રશ્ન બાદ અધ્યક્ષે તરત પ્રદિપસિંહ જાડેજા સામે જોયું અને તેમણે બેઠા બેઠા જવાબ આપવો નથી તેવો ઈશારો કરતા અધ્યક્ષે પ્રશ્ન ઉડાવી દીધો હતો. ત્યાર બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ઘાનાણી પણ જીજ્ઞેશને રક્ષણ મળવું જોઈએ તેવી માગણી કરી ત્યારે પણ અધ્યક્ષે મારી પાસે આવી ફરિયાદ આવશે તો જોઈશ તેવું કહી ઘટનાનો અંત આણ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે ગૃહ ચલાવવા માટે મંત્રી અથવા મુખ્યમંત્રી સામે જોવાની જરૂર નથી, કારણ અધ્યક્ષ કોણ થશે તે સરકાર નક્કી કરે છે, પણ અધ્યક્ષ સરકારનું ચાવી ભરેલું રમકડું નથી.

સરકાર ચાવી ભરે ત્યારે તે રમકડું તાળી પાડે અને ચાવી બંધ કરે ત્યારે રમકડું શાંત થઈ જાય તે બરાબર નથી, અહીંયા વિધાનસભાના અથવા અધ્યક્ષને મળતો વિશેષ અધિકાર ભંગ કરવાનો પણ ઈરાદો નથી, માત્ર અધ્યક્ષને મળતા વિશેષ અધિકાર યાદ અપાવવાનો નમ્ર પ્રયાસ છે. રાજેન્દ્ર ત્રિવેદ્દી અધ્યક્ષ થયા બાદ તેઓ હવે ભાજપના સભ્ય રહ્યા નથી, તેમણે પહેલા દિવસે બહુ લાગણીશીલ ભાષણ કર્યું હતું, પણ અધ્યક્ષ થયા બાદ તેઓ વડોદરા ગયા ત્યારે તેમના સન્માનમાં રેલી નિકળી તેમની જીપમાં ભાજપના સાંસદ અને નેતાઓ કેસરી ખેસ નાખી તેમની સાથે ઊભા હતા. જે પણ યોગ્ય ન્હોતું, રાજેન્દ્ર ત્રિવેદ્દી રાજકારણી હોવા છતાં તેઓ હવે તમામ પ્રકારના રાજકારણથી પર થઈ ગયા છે અથવા થઈ જવાની જરૂર છે. તો ભવિષ્યમાં એક આવા પણ  શ્રેષ્ઠ અધ્યક્ષ હતા તેવા નામોમાં તેમનો ઉમેરો થશે.