મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ધોરણ-10નું પરિણામ આવી ગયુ  સલામ છે જેમાં 33 ટકા બાળકો સફળ થયા નથી તેમને બાઅદબ... કેમકે તેમણે મહેનત કરી હતી પણ તેમની મહેનત ફળી નહીં, કઈ વાંધો નહીં, ચાલો ફરી મહેનત કરીશુ.

મારા પુત્ર-પુત્રીનું આટલુ પરિણામ આવવુ જ જોઈએ, તેને આટલા ઉંચા ટકા તો આવવા જ જોઈએ તેવો દુરાગ્રહ રાખનાર માતા-પિતાને કહેવાનું કે તમારા બાળકો તમારી અપેક્ષાના રેસના ઘોડા નથી અને તમારી અપેક્ષાનો બોજ ઉપાડનાર ખચ્ચર નથી. તેઓ કિલ્લોલતા પક્ષીઓ છે જે તમારા જીવનને પણ સંગીતમય બનાવે છે. શુ તમે તમારા બાળકાના ટકા, પાસ-નાપાસના બાટ કાટલાથી તેમને તોલશો ? જો ખરેખર તમારે તમારુ બાળક કેટલુ સફળ છે તેની પરિક્ષા જ લેવી છે તો પુછો તેમને આ સવાલ.

(1) કોઈને રસ્તો ઓળંગવા માટે બેટા તે ક્યારેય મદદ કરી છે?

(2) કોઈ માણસ તસસ્યો હતો ત્યારે તે તેને પાણી પીવડાવ્યુ છે.?

(3) તને જ્યારે તે ભુલ કરી તેવો અહેસાસ થયો ત્યાર બાદ તે માફી માંગી છે?

(4) કોઈએ તારૂ હ્રદય દુભાવ્યુ હોય ત્યારે તેને માફ કર્યો છે?

(5) કોઈ માણસ દુખી હોય ત્યારે તેને જોઈ તને દુખ થાય છે?

(6) કોઈ દુખી માણસના ચહેરા ઉપર સ્મીત આવે તેવો તે ક્યારેય પ્રયત્ન કર્યો છે?

(7) તારા કરતા શિક્ષણમાં નબળા વિદ્યાર્થીને તે ભણવામાં મદદ કરી છે?

(8) તારી પાસે જે વધારાની વસ્તુઓ છે તેમાંથી તે કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને આપી છે?

(9) તારી સ્પર્ધા કરનાર જ્યારે જીતી જાય ત્યારે તેને અભિનંદન આપવાની હિમંત તે કરી છે?

(10) તારા જીવનમાં જે સારુ થઈ રહ્યુ છે તેવુ બધાના જીવનમાં સારુ થાય તેવી તારી ઈચ્છા છે?

જો તમારૂ બાળક આ દસ પ્રશ્નનો જવાબ હા માં આપે તો તેનું ગૌરવ લેજો કારણ તે જીંદગીની પરિક્ષામાં અવ્વલ નંબર મેળવી રહ્યો છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં ઓછા માર્ક અથવા નાપાસ થયા પછી પણ તે જીંદગીનો ટોપ સ્કોર કરી રહ્યો છે.

(આ આર્ટિકલ ગુજરાતના જાણિતા પત્રકાર મુકુંદ પંડ્યા એ લખ્યો છે)