મેરાન્યૂઝ નેટવર્ક, જકાર્તા: એશિયન ગેમ્સ 2018ના નવમાં દિવસે આજે સોમવારે ભારતના એથલિટ નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જતા જેવલિન થ્રો (ભાલા ફેંક)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 20 વર્ષના આ યુવા એથલિટએ પ્રથમ વખત ભારતને આ સ્પર્ધામાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ પહેલા 1982ની એશિયન ગેમ્સમાં ગુરતેજ સિંહે ભાલા ફેંકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. હરિયાણાના પાનીપતમાં જન્મેલા નીરજ ચોપરા 18મી એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ધ્વજાવાહક પણ હતો.

નીરજે ભારતને ઇન્ડોનેશિયામાં ચાલી રહેલ એશિયન ગેમ્સમાં આઠમો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નીરજે 88.06 મીટર દૂર ભાલો ફેંકીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. ચીને લિઉ કિઝેનને 82.22 મીટર સાથે સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમએ 80.75 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.  અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણાના નીરજે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.   

નીરજે પોતાના પ્રથમ પ્રયાસમાં 83.46 મીટર ભાલો ફેંક્યો અને ત્રીજા પ્રયાસમાં 88.06 મીટર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો. ભારત માટે નવમો દિવસ ઘણો સારો અને આજે ભારતે કુલ પાંચ મેડલ જીત્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને આ અંગે શુભેચ્છા પાઠવી ટ્વિટ કર્યું હતું કે જ્યરે નીરજ ફિલ્ડ પર હોય છે તો તેમની પાસેથી બેસ્ટની આશા હોય છે. આ યુવા એથલિટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ખુશ કરી દીધો છે. નવો નેશનલ રેકોર્ડ બનાવવા માટે શુભેચ્છા.