મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: મૂળ કેરળના પેરંભાની વતની અને રાજકોટ રેલવે ડિવિઝનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય એથલિટ નીના વર્કલે એશિયન ગેમ્સ 2018માં મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં નીનાએ મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં 6.51 મીટરની છલાંગ લગાવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સિધ્ધી મેળવી નીનાએ રાજકોટ સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ રેલવે ડિવિઝનમાં 17 ફેબ્રુઆરી 2018ના રોજ નીનાની નિમણૂંક થઈ હતી. હાલમાં તેણી સ્ટેશન પર ટિકિટ ચેક કરવાની ફરજ બજાવી રહી છે. શરૂઆતથી જ તેણી એથ્લેટિક્સમાં રસ ધરાવતી હતી અને વર્ષ 2017માં એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં પણ મહિલાઓની લાંબી કૂદમાં તેણીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમજ ચીનમાં યોજાયેલી એશિયન ગ્રાન્ડ એથ્લેટિક સ્પર્ધામાં પણ તેણીએ દેશ માટે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા હતા.