મેરાન્યૂઝ નેટવર્ક, જકાર્તા: એશિયન ગેમ્સ 2018માં આજે 12મા દિવસે ભારતના એથલિટ્સએ બે ગોલ્ડ સહિત કુલ પાંચ મેડલ મેળવ્યા. ભારત તરફથી જિનસન જોનસને પુરોષોની 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. 4 X 400 મીટર દોડમાં મહિલાઓએ સતત પાંચમી વખત ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. પીયૂ ચિત્રએ મહિલાઓની 1500 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે પુરુષોની 4 X 400 રિલે ટીમે સિલ્વર મેડલ જીત્યો. આ સિવાય ડિક્સ થ્રોમાં સીમા પૂનિયાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારતની 4 X 400 મીટર મહિલા રિલે ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. જેમાં હિમા દાસ. એમ.આર. પૂર્વમ્મા, સરિતાબેન ગાયકવાડ અને વિસ્મયા વેલુવા કોરોથનીએ 3 મિનિટ અને 28.72 સેકન્ડમાં આ દોડ પૂર્ણ કરી હતી. આ દોડમાં સામેલ થયેલ સરિતા ગાયકવાડ ગુજરાતના ડાંગ વિસ્તારની રહેવાસી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેડલની યાદીમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલ સાથે આઠમાં ક્રમે છે. જ્યારે 111 ગોલ્ડ, 75 સિલ્વર અને 53 બ્રોન્ઝ મેડલ સાથે ચીન મેડલની યાદીમાં પ્રથમ સ્થાને છે. જાપાન 59 ગોલ્ડ, 49 સિલ્વર, 66 બ્રોન્ઝ મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે રિપબ્લિક ઑફ કોરિયા આ યાદીમાં ત્રીજા સ્થાને છે.