મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: રાજસ્થાનમાં બહુમતી મેળવનાર કોંગ્રેસ પક્ષ દ્ધ્રારા ત્રણ દિવસ બાદ મુખ્યમંત્રી પદનું ગૂંચવાયેલું કોકડુ ઉકેલાયું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગહેલોતની ત્રીજીવાર પસંદગી કરવામાં આવી છે. જયારે સચિન પાયલોટની નારાજગી દુર કરતા સમાધાનના ભાગ રૂપે તેને નાયબ મુખ્યમંત્રી બનવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્ધારા આ અગાઉ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ અનુભવી કમલનાથની પસંદગી કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્ધારા ત્રણ રાજ્યોમાં મેળવેલા વિજય પછી દિલ્હી હાઈકમાન્ડ માટે મુખ્યમંત્રીની પસંદગી પડકારરૂપ બની રહી હતી. દિલ્હીમાં ત્રણ દિવસથી સતત રાજકીય બેઠકો કરવા સાથે સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મદદે આવ્યા હતા. તેના પરિણામ સ્વરૂપ ગઈ મોડી રાત્રે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પ્રદેશ અધ્યક્ષ કમલનાથની પસંદગી કરવામાં આવી હતી. તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસ પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મીટીંગમાં નેતા તરીકે ચૂંટી પણ કાઢવામાં આવ્યા છે.

સૌથી વધારે મુશ્કેલી રાજસ્થાન માટે સર્જાઈ હતી. જેમાં આજે બપોર પછી એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્ધારા મુખ્યમંત્રી તરીકે મારવાડના ગાંધી તરીકે જાણીતા અશોક ગહેલોતની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત  કરવામાં આવી હતી. પોતાની રાજકીય કારકિર્દીમાં વિધાનસભાની પ્રથમ ચુંટણી હારી ગયા બાદ ત્રણ વખત સાંસદ બની કેન્દ્રીય મંત્રી બનેલા અશોક ગહેલોત સતત પાંચવાર ધારસભ્ય તરીકે ચૂંટાયા છે. કોંગ્રેસે અત્યારે સચિન પાયલોટને પ્રદેશ અધ્યક્ષ તરીકે યથાવત રાખવાની પણ જાહેરાત કરી છે.