મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જસદણ પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંઘ સિધ્ધુએ ભાજપ સામે જોરદાર બેટીંગ કરી હતી. આ તકે તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મને રાહુલ ગાંધી અને અહેમદ પટેલે મોકલ્યો છે. સત્યના જંગ માટે મને મોકલવમાં આવ્યો છે. હવે મોદી, રૂપાણી અને બાવળીયા બચશે નહીં. ચાર મહિનામાં બુરેદિન જાનેવાલે હે, ક્યુકી રાહુલ ગાંધી આનેવાલે હે... સિધ્ધુ દ્વારા આ પ્રચાર દરમિયાન નારા લગાવાયા હતા જેમાં સિધ્ધુએ કહ્યું કે ‘ચોકીદાર...’ તો લોકોએ સામે પ્રતિસાદમાં કહ્યું ‘ચોર હૈ’

વધુમાં સિધ્ધુએ પ્રધાનમંત્રી મોદીની નકલ કરીને તેમણે આપેલા વચનો યાદ કરાવ્યા હતા. તેમજ લોકોને પૂછ્યું હતું કે, તમારા ખાતામાં 15 લાખ આવ્યા? ખેડૂતોને તેના પાકના પુરા ભાવ મળ્યા ? કુંભકર્ણ છ મહિનામાં જાગી જતો પણ મોદીને 22 વર્ષ થયાં. મોદીએ જે 22 વર્ષમાં નથી કર્યું તે કોંગ્રેસે 22 મિનિટમાં ખેડૂતોના દેવા માફ કરીને કરી બતાવ્યું, અભી તો પાર્ટી શરૂ હુઇ હૈ. ઠાકુર (મોદી) તો ગયો..મામા બી ગયો ( સમજાયું ને કોણ ) બાવળીયાને કાઢીને ફેંકો ખબર નહિ કયા-કયા વાગશે.

સિધ્ધુએ ખેડૂતોને મળતા કપાસ અને મગફળીના ભાવ અંગે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉપરાંત વિજળીના બિલ માફ કરવાની સરકારની જાહેરાતને લોલીપોપ સમાન ગણાવી હતી. તેમજ રાફેલ મામલે કહ્યું હતું કે, સરકારે કોર્ટને જરૂરી વિગત જ ખોટી આપી છે. મત આપવાનો અધિકાર શહીદોએ આપ્યો છે. તમારો મત ખૂબ મહત્વનો છે. અવસર નાકિયા વિશે જણાવતા કહ્યું હતું કે, 'આયુ થોડી બડી હે, ઉત્સાહ આજ ભી વહી હે, તલવાર પુરની હે પર ધાર ઓર તાકત વહી હે... અવસર છક્કો મારશે બાવાળીયા બાઉન્ડ્રીની બહાર...

કુંવરજી બાવળીયા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમણે પક્ષપલટો કરીને કોંગ્રેસની પીઠમાં ખંજર ભોક્યું છે. મંત્રીપદની લાલચમાં તેઓ પૂંછડી પટપટાવતા ભાજપમાં ગયા છે. લોકો પાસેથી કોંગ્રેસના નામે મત મેળવી પ્રજાનો પણ વિશ્વાસઘાત કર્યો છે. આ બાવળીયાને ઉખાડીને ફેંકી દો નહીં તો કાંટા જ વાગશે. બાવળીયાને હરાવશો પછી કોઈ તમારા સાથે વિશ્વાસઘાત કરવાની હિંમત કરી શકશે નહીં. 'આ એક ઇલેક્શન દેશનો નકશો બદલી નાખશે' તેમ પણ તેમણે કહ્યું હતું.