નવી દિલ્હી: સુરેન્દ્ર ગાડલિંગને સવારે 5 વાગ્યે પુણેની એક જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમનો પરિવાર સુરેન્દ્રને ક્યા રાખવામાં આવ્યા છે તેનાથી સાવ અજાણ હતો. અદાલતે નિયુક્ત કરેલા તેમના વકીલને સવારે 4:30 વાગ્યે ઉંઘમાંથી જગાડી અદાલત સમક્ષ લઇ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમના વકીલને સુરેન્દ્રના કેસ સંબંધીત જાણકારી પણ આપવામાં આવી ન હતી.

બીજી તરફ સુરેન્દ્ર ગાડલિંગના અંગત વકીલને કોર્ટમાં જ આવવા ન દેવાયા અને તે પાછળ એવું કારણ અપાયું કે તેમના વકીલાત નામાંમાં અંગત વકીલનું નામ ન હતું. જ્યાર બાદ સુનાવણી શરુ થઇ અને સુરેન્દ્રને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.

ગાડલિંગની કાયદાકિય ટીમના સભ્ય સિદ્ધાર્થ પાટીલે આ ઘટના અંગે કહ્યું હતું કે, એડવોકેટ ગાડલિંગને યોગ્ય બચાવ કરવાનો મોકો આપવામાં આવ્યો ન હતો. ત્યા સુધી કે તેઓ જામીન માટે અરજી પણ કરી શક્યા ન હતા. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવાનું કોઈ કારણ ન હતું. કારણ કે તેમના ઘરની ઝડતી અને તપાસ પણ પૂરી થઈ ગઈ છે.

માનવ અધિકાર અપાવવા માટે સતત લડત માટે જાણીતા સુરેન્દ્ર ગાડલિંગની ધરપકડ અને ત્યાર બાદ પોલીસનું વર્તન જોઈને માનવ હક્કો માટે લડી રેહલાં લોકો હચમચી ગયા છે. તેઓ એવું માની રહ્યાં છે કે, રાજકીય રીતે આરોપો મૂકવામાં આવ્યા છે. રાજકીય કાર્યકર્તાઓ સહિતનાઓ એવું માને છે કે માનવ અધિકાર માટે લડતાં લોકોને ચૂપ કરી દેવાનું ભાજપનું આ કાવતરું છે. ભાજપ સાથે રાજકીય અસહમતી દર્શાવવા માટેનો આ પ્રયાસ હોય તે રીતે જોવામાં આવી રહ્યું છે.

ગાડલિંગ કે જેઓ દલિત છે, તેમને ગત 6 જૂને નાગપુરમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. કલર ઓફ કેજના લેખક અરુણ ફેરીએરા કહે છે કે, 2007માં યુએપીએ સરકારમાં પણ તેમની ધરપકડ થઈ હતી. પછીથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. તે પણ એક કારણ છે કે, સ્થાપિત હિતો સામે તે કેમ કાંટાની જેમ ખૂંચે છે.”

જેમાં પોલીસે પ્રકાશક સુધીર ઢવાલે, અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક શોભા સેન અને કાર્યકર્તા મહેશ રાઉતની પણ ધરપકડ કરી હતી અને રોનાવિલ્સનને આ વર્ષે જાન્યુઆરીમાં ભીમા-કૌરેગાંવમાં દલિત વિરોધ પ્રદર્શન પછી હિંસા ફેલાવવાના આરોપસર પકડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પોલીસે એવો દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે માઓવાદીઓ દ્વારા કાવતરું રચવામાં આવ્યું છે. તે અંગે પત્ર પણ મળ્યો છે.

ગાડલિંગની ધરપકડ અંગે વડગામ બેઠક પરથી ધારાસભ્ય જીજ્ઞેસ મેવાણીએ કહ્યું હતું કે અમે પહેલેથી જ રોહિત વેમુલાને ગુમવી દીધા છે. ચંદ્રશેખર આઝાદ જેલમાં છે અને હવે દલિત અવાજ (ગાડલિંગ) ને ચુપ કરી દેવામાં આવી રહ્યો છે. હિંસા એ વડાપ્રધાન મોદીની ખાસિયત છે, નહીં કે આંબેડકાઇટ્ મુવમેન્ટની.

સુરેન્દ્ર ગાડલિંગે લગભગ બે દાયકા પહેલા નાગપુરમાં વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ટાડા અને આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવાના કાયદા હેઠળ જે લોકોની ધરપકડ થઇ હોય તેમના કેસ લડતા હતા. તેમણે દહેજ સંબંધિત કેસ પર વિશેષ સરકારી વકીલ તરીકે પણ કામ કર્યું હતું અને તે ખૈરલન્જી આંદોલન સાથે સંકળાયેલા અગ્રણી વકીલોમાંના એક હતા. તેઓ મહારાષ્ટ્રમાં એક દલિત પરિવારની જાતિ મુદ્દે હત્યા પછી શરૂ થયેલ વિરોધ ચળવળમાં પણ જોડાયા હતા.

ગાડલિંગ પ્રો. જી.એન. સાંઇબાબાના વકીલ પણ છે. પ્રો. જી. એન. સાંઇબાબા પર આક્ષેપ હતો કે તેમણે માઓવાદીઓની મદદ કરી હતી અને અદાલતે તેમને આ મામલે આજીવન કેદની સજા ફટકારી છે. જો કે પ્રો. જી. એન. સાંઇબાબા દિવ્યાંગ છે અને તેમણે આ કેસને ઉપલી અદાલતમાં પડકાર્યો છે.

ખેરલાંજી પર પુસ્તક લખનાર આનંદ તેલતુંબડેના જણાવ્યા અનુસાર પોલીસએ પ્રસ્થાપિત કરવામાં લાગી છે કે ગાડલીંગ મોદીની હત્યાનો પ્લાન ઘડનાર માઓવાદીઓની મદદ કરી રહ્યા હતા. આ સમગ્ર પ્રકરણ ગુજરાતમાં થયેલ ઇશરત જહાં એન્કાઉન્ટર સમાન છે.  

2004માં ગુજરાત પોલીસ દ્વારા ઈસરત જહાંનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઇશરત સહિતના લોકો મોદીની હત્યા કરવાના મિશન પર હતા તેમ કહેવાયુ હતું. ત્યાર પછીની તપાસમાં આ દાવા અંગે લાંબા સમય સુધી શંકા રહેતી હતી, જે દર્શાવે છે કે તે ગુજરાત પોલીસ દ્વારા ઠંડા કલેજે હત્યા હતી. હાલના ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને મોદીના જમણા હાથ સમાન અમિત શાહને આ કેસના સંબંધમાં થોડા મહિનાઓ સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું.

ગાડલિંગની ધરપકડ અંગે વકીલોએ જણાવ્યું હતું કે વર્તમાન વહિવટીતંત્રને પડકાર આપનારા લોકો, પ્રતિનિધિત્વ કરનારા વકીલોને નિશાન બનાવીને તેમના વિચારો સાથે સહમત ન થતાં લોકો માટે આ ખતરનાક પેટર્ન બની રહી છે.

છત્તીસગઢમાં માઓવાદીઓ માટે કામ કરવાના આરોપમાં ઘણા આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરનારા લિવર સુધા ભારદ્વાજે ગયા અઠવાડિયે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઓડિશાના ઉપેન્દ્ર નાયક, તમિલનાડુના મુરુગન અને છત્તીસગઢના સત્યેન્દ્રચૌબે જેવા વકીલોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

ભારદ્વાજ અને ગાડલિંગ એ બંને ઈન્ડિયન એસોસિયેશન ઓફ પીપલ્સ લોયર્સના વરિષ્ઠ પદાઅધિકારીઓ છે, જેઓ જરૂરિયાતમંદોને કાનૂની સલાહ આપે છે.

સોહરાબુદ્દીન શેખના પરિવાર માટે કેસ લડનાર મુંબઈ હાઇકોર્ટના વકીલ મિહિર દેસાઇએ જણાવ્યું હતું કે આ એક ગંભીર વલણ દર્શાવે છે જ્યાં રાજ્ય વકીલોને ટાર્ગેટ કરે છે. તે કાયદાના શાસનનું સંપૂર્ણ ભંગાણ દર્શાવે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આવું જ થયું હતું. ગાડલિંગને જામીન મળવા ઘણાં મુશ્કેલ બની રહેશે. દેસાઇએ તારણ કાઢ્યું હતું કે "અહીંનો હેતુ ગાડલિંગને દોષિત પુરવાર કરવાનો નથી, પરંતુ તેના કાર્યોને ફ્રીઝ કરવા માટે છે. તે અંગે સમાજે નોંધ લેવી જોઈએ."

આ આર્ટિકલ અમન સેઠી દ્વારા લખવામાં આવ્યો છે. આ લેખમાં વ્યક્ત કરાયેલ મંતવ્ય લેખકના અંગત છે.