મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાના લટુડા ગામના રહીશ અને પંજાબ બોર્ડર પર આર્મીમાં ફરજ બજાવતા મહેશભાઈ છગનભાઈ ટમાલીયાનું અવસાન થતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ બનાવની જાણ થતા ગ્રામજનો સહિત પરિવારજનો પર આભ તૂટી પડયું હતું અને મૃતક જવાનના પાર્થીવદેહને પોતાના વતન લાવવા માટેની તજવીજ હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક જવાનના વૃદ્ધ માતા-પિતા લટુડા ખાતે રહેતા હતા, જયારે મૃતક જવાનની પત્ની અને સંતાનો પંજાબ ખાતે સાથે રહેતા હતા. ક્યા કારણોસર આર્મીના જવાનનુ મોત થયું? અથવા કઈ રીતે શહીદ થયા તે અંગે ગ્રામજનો સહિત તંત્રના અધિકારીઓ પાસે પણ સ્પષ્ટ માહિતી મળી શકી ન હતી, પરંતુ ઝાલાવાડના એક આર્મી જવાનનું પંજાબ બોર્ડર પર મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી, જ્યારે આજે તેમના પાર્થીવદેવને પોતાના વતન વઢવાણ તાલુકાના લટુડા ગામે લાવ્યા હતા મૃતક જવાનના મૃતદેહને લાવી અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમવિધિમાં અનેક સમાજના આગેવાનો તેમજ આર્મીના જવાનો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.