મેરાન્યૂઝ નેટવર્ક, કોલંબો: શ્રીલંકા સામે અન્ડર-૧૯ મુકાબલામાં ભારતની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમ તરફથી દિગ્ગજ ક્રિકેટર સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ વિકેટ લીધી છે. કોલંબોના નોન સ્ક્રીપડ ક્લબ મેદાનમાં રમાયેલી પહેલી યુથ ટેસ્ટમાં તેણે આ વિકેટ લીધી હતી.

પહેલીવાર કોઈ ભારતીય ક્રિકેટ ટીમમાંથી અર્જુન પહેલીવાર રમી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકરના પુત્ર અર્જુને શ્રીલંકાના ઓપનીંગ બેટ્સમેન કામિલ મિશ્રાને એલ.બી.ડબલ્યુ. આઉટ કરી આ પ્રથમ વિકેટ મેળવી હતી. ભારતીય ટીમના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન અનુજ રાવતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં અર્જુને ભારતીય બોલિંગ આક્રમણનો પ્રારંભ કર્યો હતો. તેણે પોતાની બીજી ઓવરના છેલ્લા બોલે વિકેટ લીધી હતી. અર્જુને ૧૧ બોલમાં બે ચોગ્ગા સાથે ૯ રન કરનાર ફર્સ્ટક્લાસ ક્રિકેટર કામિલ મિશ્રાની વિકેટ ઝડપી હતી.

આ પછી ભારતના પૂર્વ ક્રિકેટર અને સચિનના ખાસ દોસ્ત વિનોદ કામ્બલીએ અર્જુન માટે એક ભાવુક ટ્વીટ કરી હતી. તેણે લખ્યું કે, અર્જુનને વિકેટ લેતા જોઈ મારી આંખોમાં આંસુ આવી ગયા...તેને મોટો થતા મેં જોયો છે. મેં જોયું છે કે, તેણે ક્રિકેટ માટે કેટલી મહેનત કરી છે. તારા માટે મને બહુ જ ખુશી થઇ રહી છે,અર્જુન..આ શરૂઆત છે.મારી શુભકામના છે કે, આવનારા સમયમાં સફળતા પ્રાપ્ત કરો...પોતાની પહેલી વિકેટ માટે આંનદ ઉઠાવો.