પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પછી હવે બધાની નજર ગુજરાતની જસદણ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા મંત્રી કુંવરજી બાવળીયા ઉપર છે. કોંગ્રેસમાંથી સતત ચાર વખત વિધાનસભાની ચૂંટણી જીતેલા કુંવરજી બાવળીયાને છ મહિના પહેલા જ્ઞાન લાધ્યુ કે કોંગ્રેસમાં તેમને અન્યાય થઈ રહ્યો છે અને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ તેના એક કલાકમાં જ ભાજપે તેમને મંત્રીપદ પણ આપી દીધુ હતું. ખુદ કુંવરજી બાવળીયાને ખાલી પડેલી બેઠક ઉપર હવે ચૂંટણી યોજાઈ રહી છે. ચાર વખત કોંગ્રેસમાંથી જીતનાર કુંવરજીભાઈ હવે ભાજપના નામે મત માંગી રહ્યા છે. પણ જમીની વાસ્તવીકતા પ્રમાણે જસદણના ભાજપ નેતા કોંગ્રેસના આયાતી નેતા જીતે તેવા જરા પણ મતના નહીં હોવાને કારણે કુંવરજીભાઈને એકલા હાથે જીત તરફ આગળ વધવુ પડે તેવી સ્થિતિ છે.

છેલ્લાં વીસ વર્ષથી ભાજપને ભાંડનાર જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા હવે ભાજપના મંત્રી થઈ ગયા છે, જેના કારણે હવે ખુદ તેમના માટે પણ ભાજપને મત આપવો તેવુ કહેવુ કાઠુ પડી રહ્યુ છે. જે કોંગ્રેસે તેમને મોટા કર્યા તે કોંગ્રેસ વિરૂધ્ધ પ્રચાર કરતા તેમની જીભ પણ ઉપડતી નથી. નરેન્દ્ર મોદીનો પવન ફુંકાઈ રહ્યો હતો ત્યારે કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસના બળ કરતા તેમની સજ્જનતા અને તેમના કર્મને કારણે સામે પવને પણ ચૂંટાઈ આવતા હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. કોળી મતદારોને પ્રભાવીત કરવા માટે બાવળીયાને કોંગ્રેસ છોડવા માટે સમજાવી લીધા પછી તરત મંત્રી તો બનાવી દીધા પણ આ વાત ખુદ ભાજપના નેતાઓ પચાવી શક્યા નથી.

જસદણમાં વર્ષોથી કોંગ્રેસ અને બાવળીયાની વિરૂધ્ધ લડાઈ લડનાર નાના મોટા કાર્યકર અને નેતાઓને આધાત તો ત્યારે લાગ્યો જયારે વર્ષો સુધી ભાજપ માટે ચપ્પલ ઘસી નાખનાર ભાજપના નેતાઓને કોઈ પદ અને હોદ્દો મળ્યો નહીં. જ્યારે કોંગ્રેસમાંથી પેરાશુટ દ્વારા ઉતરી પડેલા બાવળીયાને તરત મંત્રીપદ મળી ગયુ,  વાત ત્યાં અટકી નહીં. જસદણ બેઠકની ટિકિટ પણ બાવળીયાને મળી, જેના કારણે જસદણ બેઠક માટે દાવો અને મહેનત કરનાર સ્થાનિક ભાજપી નેતાઓના સ્વપ્ન ઉપર પાણી ફેરવાઈ ગયુ. જો બાવળીયા પેટા ચૂંટણી જીતે તો ધારાસભ્ય થવાની ખેવના રાખનાર ભાજપના નેતાઓ કાયમ માટે જસદણ બેઠક ઉપર ચૂંટણી જીતી જઈશુ તે વાતનું ન્હાઈ નાખવુ પડે.

આમ સ્થાનિક ભાજપ નેતાઓને  ઉપર ઠોકી બેસાડેલા આયાતી કુંવરજી બાવળીયા જીતે તેમા તેમને કોઈ રસ નથી. બીજી તરફ પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પછી કોંગ્રેસ પણ આક્રમક બની છે, તે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર બાવળીયાને પોતાની તાકાત બતાડવા માગે છે. આ સ્થિતિમાં બાવળીયા પોતાની તાકાત અને સંબંધો ઉપર લડાઈ લડી વિજેતા થવાનું છે. આ લડાઈમાં સ્થાનિક ભાજપ તેમનો મદદ કરતો હોવાનો દેખાવ ભલે  કરે તો પણ તે ભ્રામક હોઇ શકે છે. જસદણમાં જો બાવળીયા જીતે તો તે જીત માત્રને માત્ર બાવળીયાની હશે અને જો તેઓ હારે તેનો યશ કોંગ્રેસને આપવાને બદલે ભાજપના સ્થાનિક નેતાઓને આપવો પડશે.