પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): 2015માં ગુજરાતના લોકો અને યુવાનો સામે એક એકદમ યુવાન ચહેરો હાર્દિક પટેલ આવ્યો હતો. સતત વિવિધ પ્રશ્ને નિરાશ થયેલી પ્રજા અને ખાસ કરી પાટીદારોને લાગ્યુ હતું કે કદાચ તેમની સમસ્યાનો આ ઉત્તર બનશે, તેના કારણે ગુજરાતની સ્થાપના બાદ પહેલી વખત દસ લાખ લોકો હાર્દિક પટેલની અમદાવાદની જીએમડીસી મેદાન ખાતેની સભામાં ઉપસ્થિત થયા હતા. 2016માં ઉનાકાંડની ઘટના ઘટી હતી ત્યારે દલિતો સામે એક નવો  નેતા જીજ્ઞેશ મેવાણી આવ્યો હતો. છેલ્લાં છ દાયકાથી દલિતો માટે અનેક નેતાઓ મેદાનમાં આવ્યા પણ તેમની નેતાગીરી  દલિતોની સ્થિતિમાં સુધાર લાવી શકી નહીં, જેના કારણે દલિતોને લાગ્યુ કદાચ હવે તેમનો ખરાબ સમય પુરો થયો છે અને સારા દિવસોની શરૂઆત થશે. આવુ જ કંઈક અલ્પેશ ઠાકોરનું પણ હતું.

સમૃધ્ધીમાં જન્મેલા અને શ્રીમંતાઈમાં ઉછરેલા અલ્પેશ ઠાકોરે જ્યારે પોતાની જ્ઞાતિ પછાત રહેવા પાછળ દારૂની બદી અને શિક્ષણનો અભાવનું કારણ આપ્યુ ત્યારે ઠાકોર અને ઓબીસી જ્ઞાતિઓને લાગ્યુ કે કદાચ આ જ તેમનો ઉધ્ધારક બની શકે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ હતું. અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર નખશીખ રાજકારણી છે, એક જમાનામાં નરેન્દ્ર મોદીના અંગત લોકોમાં તેમની ગણના થતી હતી, બાદમાં તેમણે મોદીનો હાથ છોડી કોંગ્રેસનો પંજો  પકડી લીધો. પિતા પાસેથી ગળથુંથીમાં રાજકારણ શીખેલા અલ્પેશ પાસે સત્તાની સીડી ચઢવી મુશ્કેલ ન્હોતી. હાર્દિક પટેલે યુવા હ્રદયમાં પોતાની જગ્યા કરી લીધી હતી, પણ બંધારણે ચૂંટણી લડવા માટે નક્કી કરેલી ઉમંર કરતા તે નાનો હતો.

જ્યારે અરવિંદ કેજરીવાલથી પ્રભાવીત થયેલા જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં આમ આદમી  પાર્ટીનો ઝંડો ઉપાડી લીધો હતો, પણ ઉનાકાંડમાંને રાજકિય રંગથી દુર રાખવા માટે AAPને તીલાંજલી આપી હતી. આ ત્રણે નેતાઓને પોતાની લડાઈના કારણો હતા.  2017 સુધી તેઓ સિસ્ટમને ભાંડી રહ્યા હતા, પણ 2017માં અલ્પેશ અને જીજ્ઞેશ પાસે સિસ્ટમનો ભાગ બનવાની તક હતી અને તેમણે તે ઝડપી લીધી અને તેઓ ધારાસભ્ય પણ થઈ ગયા. બીજી તરફ હાર્દિક પટેલને જે પ્રકારે જનસમર્થન મળી રહ્યુ હતું તે મતોમાં અપેક્ષીત રીતે રૂપાંતરીત થયુ નહીં, જેના કારણે ભાજપની બેઠકો ઘટી પણ કોંગ્રેસને સત્તા મળી નહીં. આમ છતા સમાજે હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશ પાસેથીની અપેક્ષાઓ ગુમાવી ન હતી, પણ આ ત્રણ નેતાઓ હજી પોતાની દિશા નક્કી કરી શક્યા નથી તેવી છાપ ઉભી થઈ રહી છે.

અલ્પેશ ઠાકોર ભીડ એકત્રીત કરી શકે છે, સારૂ  ભાષણ કરી શકે છે, સરકારને ભાંડી શકે છે પણ આ ત્રણે બાબતો ઓબીસીને જીવનમાં વાસ્તવિક રીતે કંઈ આપી શકતી નથી. આવુ જ જીજ્ઞેશના કિસ્સામાં પણ છે, અલ્પેશ અને જીજ્ઞેશની એક વિશેષ જવાબદારી છે, કારણ તેમને એક ચોક્કસ વિસ્તારને પોતાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની સર્વોપરી વિધાનસભામાં બેસવાનો અને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર આપ્યો છે. અલ્પેશ અને જીજ્ઞેશ અત્યારે સૌથી આસાન કામ કરી રહ્યા છે, જયારે તમે વિરોધ પક્ષમાં હોવ ત્યારે સરકારની ટીકા કરવી સારી બાબત છે, પણ તે પરિણામ આપી શકતી નથી. જો ખરેખર અલ્પેશ અને જીજ્ઞેશ ભાજપ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને  ભીંસમાં લેવા માગતા હોય તો અલ્પેશ રાધનપુરના અને જીજ્ઞેશને વડગામના દસ પ્રજાકિય કામો લઈ મુખ્યમંત્રી પાસે જવુ જોઈએ અને કહેવુ જોઈએ સર રાધનપુર અને વડગામ પણ આપણા ગુજરાનો હિસ્સો છે. તમને વિનંતી છે કે રાધનપુર અને વડગામની પ્રજાના આ કામ તમારે કરવા પડશે.  જો કદાચ આ બે જ ધારાસભ્ય પ્રજાના કામ લઈ મુખ્યમંત્રી પાસે જશે તો વિજય રૂપાણીની હિમંત નથી કે તે કહે છે વડગામ અને રાધનપુરે ભાજપને મત આપ્યા નથી માટે જાવ અમે આ કામ કરીશુ નહીં. વિજય રૂપાણીને કોંગ્રેસ પસંદ ના કરે તે જુદો પ્રશ્ન છે, પણ રાજ્યની બહુમતી પ્રજાએ તેમને સત્તા સોંપી છે તે સત્ય સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે પ્રેસ ગેલેરીનું ધ્યાન દોરવા માટે રાડો પાડવાથી ક્યારેય પરિણામ મળતુ નથી. વિધાનસભાના સત્રમાં તો વિજય રૂપાણી કદાચ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે ગોઠવી વિરોધ પક્ષનો અવાજ રોકી પણ શકે છે. પણ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ ના હોય ત્યારે અલ્પેશ અને જીજ્ઞેશને મુખ્યમંત્રીના કાર્યાલયમાં જતા કોઈ રોકી શકે તેમ નથી.

હાર્દિક પટેલ દ્વારા શહીદ યાત્રા યોજવામાં આવી છે, ત્યાર પછી હાર્દિક આમરણાંત ઉપવાસ કરવાનો છે, ક્યારેક હાર્દિક અનામતની વાત કરે છે તો ક્યારેક હાર્દિક યુવકોની વાત કરે છે. ક્યારેક હાર્દિક જીજ્ઞેશ અને અલ્પેશ સાથે દારૂ માટે જનતા રેડ કરે છે. કુવો ખોદવા માટે કોઈ એક જ સ્થળે સતત ખોદતા રહેવુ પડે તો કદાચ એક દિવસ કુવામાંથી પાણી મળી શકે છે. પણ રોજ સવારે નવો કુવો ખોદવા જોશે તો હાર્દિક માટે કુવા  માટે ખોદવા કરવામાં આવેલી મહેનત ખાડો સાબીત થશે. પ્રજાએ અલ્પેશ, જીજ્ઞેશ અને હાર્દિક ઉપર મુકેલો વિશ્વાસ પ્રજાએ ગુમાવ્યો નથી, પણ પ્રજાને લાગે કે ‘હાળા છેતરી ગયા’ તે પહેલા પોતાની જાતને સંભાળી લેવાની જરૂર છે. (સાભાર ગુજરાત મિત્ર)