જય અમિન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના તંત્ર અને આરટીઓ તંત્ર ભ્રષ્ટાચારના માર્ગે વળ્યું હોવાથી નિયમોનું પાલન ઓછું અને ખિસ્સા ભરવાનું કામ વધુ પ્રમાણમાં ચલાવી રહ્યા હોવાની અનેક બૂમો ઉઠી છે. ખાનગી વાહન ચાલકો ક્ષમતા કરતા ત્રણ થી ચાર ગણા વધુ મુસાફરો જીવન જોખમે ભરી ગેરકાયદે રીતે બેફામ વાહનો હંકારી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જવાબદારી છે એવા લોક રક્ષક દળના જવાનો પીક-અપ ડાલામાં ખીચોખીચ ભરી જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા હોય તેમ મોડાસાના બાયપાસ રોડ પરથી પસાર થતા કેમેરામાં કેદ થતા કાયદાના રક્ષક જ કાયદાનું પાલન કરવામાં ઉણા ઉતાર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

લોકસભા-૨૦૧૯ની ચૂંટણીને લઈને અરવલ્લી જીલ્લામાં નેતાઓની અવર-જવર વધી જતા અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસતંત્રમાં ભારે દોડધામ મચી છે. શનિવારે મોડાસા શહેરના બાયપાસ રોડ પરથી નંબર પ્લેટ વગરના પીકઅપ ડાલામાં અંદાજે ૫૦ જેટલા લોકરક્ષક દળના જવાનો જીવના જોખમે મોતની મુસાફરી કરતા અને પીકઅપ ડાલામાં લટકીને પસાર થતા જોવા મળતા પોલીસતંત્રના કર્મચારીઓની હાલત આવી હોય તો સામાન્ય મુસાફરો સાથે ખાનગી વાહનચાલકો કેવી રીતે મજબુરીનો ફાયદો ઉઠાવી મુસાફરી કરાવતા હશે તેતો વિચારવું રહ્યું.

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એસટી બસ પૂરતા પ્રમાણમાં સુવિધા ઉપલબદ્ધ ન હોવાથી પ્રજાજનો તો જીવન જોખમે મુસાફરી કરતા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે જ છે ત્યારે આજે પોલીસતંત્રના કર્મચારીઓ પણ સતત ફરજના સ્થળે ફરજ બજાવવા જીવન જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા હતા. આ દ્રશ્ય જોતાં જ સામાન્ય લોકોની સ્થિતિ કેવી હશે જ્યારે તેઓને આ જોખમ લેવું પડ્યું હશે તે કદાચ આ પોલીસ કર્મીઓ સમજી ગયા હશે. જોકે આ ઘટના જોઈ ખરેખરમાં તો સમજવાનું તંત્રને છે કે બસીસની જરૂર હજુ પણ લોકોને છે. લોકો હજું ય તેમાં પણ ઢોર ઢાંકરની જેમ દટાઈને જાય છે. આઝાદીના આટલા વર્ષો બાદ મેટ્રો, બુલેટ વગેરે ઝાકમઝોળ વચ્ચે એક સરળ અને શાંતિ પૂર્વકની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ હજુ સુધી ગરીબ લોકોને મળી શકી નથી તે આપણી કમનસીબી છે.