મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ બાયડના ભાથીજીના મુવાડા ખાતે આવેલા ઈંટવાડામાં મજૂરી અર્થે સુરેન્દ્રનગર જીલ્લાના પ્રતાપભાઈ જયરામભાઈ ઓડ તેમના પરિવાર સાથે રહે છે ૨૯ ડિસેમ્બરે રાત્રીના સુમારે પ્રતાપભાઈ અને તેની પત્ની ત્રણ બાળકોને રહેઠાણ પર મૂકી ૩૦ મીટર દૂર ઈંટોના ભઠ્ઠા પર મજૂરી માટે ગયા હતા, ત્યારબાદ વહેલી પરોઢે રહેઠાણ સ્થળ પર પરત ફરતા બે બાળકો સુતેલા જોવા મળ્યા હતા. જ્યારે ઘોડિયામાં સુતેલી ૬ માસની નિકિતાનું અપહરણ પ્રેમીને પામવા લક્ષ્મી નામની મહિલાએ કર્યું હતું. જેમાં લક્ષ્મીએ પૈસાની લાલચ આપી ગામના જ હિતેશ પરબતભાઇ સોલંકી અને ભવાનસિંહ ઉર્ફે મુકેશ ચંદુસિંહ સોલંકીની મદદ લીધી હતી.

તેમની મદદગારીથી બાઈક પર અપહરણ કર્યું હોવાનું બહાર આવતા લક્ષ્મીને પકડી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસે અને બાયડ પોલીસને સફળતા મળી હતી અને બાળકીને પણ રાજકોટથી હેમખેમ છોડાવી પરિવારજનોને સોંપી હતી. જિલ્લા પોલીસે અપહરણના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા શુક્રવારે બંને આરોપીઓને ઝડપી પડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હતી.

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે અને બાયડ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા ઠેર ઠેર છાપા માર્યા હતા, પરંતુ આરોપીઓ પકડથી દૂર રહ્યા હતા. બાળકી અપહરણ કરનાર લક્ષ્મી નામની મહિલા બુધવારે ઝડપાયા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરતા સબજેલમાં મોકલી આપી હતી. અપહરણમાં ગુનામાં બાઈક લઈ મદદગારી કરનાર ભાથીજીના મુવાડા ગામના હિતેશ ભાઈ પરબતભાઇ સોલંકી અને ભવાનસિંહ ઉર્ફે મુકેશ ચંદુસિંહ સોલંકી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.