મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયા અને રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત દાવાઓ ગાઈ વગાડીને કરવામાં આવી રહ્યા છે બીજી બાજુ અરવલ્લી-સાબરકાંઠાના અંતરિયાળ આદિવાસી વિસ્તારો હજુ પાયાગત માળખાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે રાજ્ય શિક્ષણ વિભાગે ભૂતિયા વિદ્યાર્થીઓ શોધવા માટે અને શિક્ષણનું સ્તર સુધારવા પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન હાજરીની સિસ્ટમ નવા શિક્ષણિક સત્રથી અમલમાં લાવવામાં આવી છે બંને જીલ્લામાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સુવિધા અંતરિયાળ વિસ્તારોમાં ન હોવાથી શિક્ષકો શાળાથી દૂર નેટવર્ક વાળા વિસ્તારો અને ડુંગરોના વચ્ચે આવેલા ગ્રામ્ય વિસ્તારની શાળાઓના શિક્ષકો ડુંગરો પર ચઢી હાજરી પુરાવા મજબુર બન્યા છે હાજરી પુરવાની લાહ્યમાં બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઓફિસમાં બેઠા બેઠા થતા પરિપત્રોથી શિક્ષકોમાં અનેકવાર વિરોધના સુર પેદા થતા હોય છે ગુજરાતના કેટલાક વિસ્તારોની જમીની હકીકતનો અભાવ રાજ્યના શિક્ષણ વિભાગમાં હોવાનું શિક્ષકો દ્વારા અનેકવાર સોશ્યલ મીડિયા બળાપો ઠાલવતા હોય છે. હાલ ઓનલાઈન હાજરી શિક્ષકો માટે માથાના દુખાવા સમાન બની છે અરવલ્લી-સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારો અને અરવલ્લીની ગિરિમાળાઓની તટે અને આજુબાજુ આવેલા ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટનો અભાવ હોવાથી ઓનલાઈન હાજરી પુરવા શિક્ષકોએ શાળાથી ૩ થી ૪ કિલોમીટર દૂર બાળકોની અને શિક્ષકોની હાજરી પુરવા જવું પડે છે. કેટલાક ગામડાઓના મુખ્ય શિક્ષકો ડુંગર પર ચઢી નેટવર્ક પકડવા અને હાજરી પુરાવા માટે દરરોજ મથામણ કરતા નજરે પડે છે.

ઈન્ટરનેટ નેટવર્ક ન મળતું હોવાથી ત્યાંના મુખ્ય શિક્ષકોની પરેશાનીમાં વધારો થયો છે. હાજરી પુરવા માટે શિક્ષકોને નેટવર્ક આવતો હોય તેવા વિસ્તારમાં જવું પડતું હોય છે, તેવામાં શિક્ષકો દ્વારા શાળાથી દૂર બેથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ડૂંગરો ઉપર જવું પડી રહ્યું છે. તેવામાં શિક્ષકોના બેથી ત્રણ કલાક તો હાજરી પૂરવાના કામમાં જ વેડફાઈ જાય છે. કોઈપણ નવી સિસ્ટમ અપનાવવા પાછળનો હેતું માનવ જીવનને વધુ સરળ બનાવી શકાવાનો હોય છે પરંતુ સરકાર દ્વારા પહેલાથી અધુરા મેનેજમેન્ટને લઈને લીધેલા નિર્ણયથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેના જીવન પર નકારાત્મક અસર પડી રહી છે.