મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગતિશીલ ગુજરાતની ઊભી કરાયેલી હવા નીકળી જાય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે મોટા ભાગના અંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થતા રોડ અને રસ્તાઓની સ્થિતિ અને કેટલાય વિસ્તારો પાકા રસ્તાથી વંચિત હોવાથી વાઇબ્રન્ટની અસરનો અહેસાસ વાહનચાલકો અને રાહદારીઓ અનુભવી રહ્યા છે. ચૂંટણી જાહેર થતા મતદારો પણ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓના નાક દબાવવા વર્ષો જૂની માંગણીઓ આગળ ધરી “કામ નહીં તો વોટ નહીં” નો વિરોધ નોંધાવી સંતોષ વ્યક્ત કરતા હોય છે. આઝાદીના ૭ દાયકા પછી પણ માલપુરના જાલમખાંટના રહીશો રોડથી વંચિત રહેતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામના વિદ્યાર્થીઓ, યુવાનો અને અગ્રણીઓએ રસ્તાની માંગ સાથે ચૂંટણીનો વિરોધ કરતા બેનર્સ દર્શાવ્યા હતા. 

મગરમચ્છની પીઠ ધરાવતા રાજકારિણીઓ પણ મતદારોની નસ પારખી ગયા હોય તેમ ચૂંટણી સમયે પ્રચાર દરમિયાન મોટી મોટી ગુલબાંગો ઠોકી મતદારોના પ્રાણપ્રશ્નો હલ કરવાના વચનો અપાતા હોય છે, ચૂંટણી પુરી થતા ઉમેદવારે આપેલા વચનો ઠાલા પુરવાર થતા અને પ્રજાજનોની સમસ્યા ઠેરની ઠેર રહેતા લોકો છેતરાયા હોવાનો અહેસાસ અનુભવતા હોય છે.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ૭૦ વર્ષોથી જાલમખાંટના પ્રજાજનો પાકા રસ્તા માટે તડપી રહ્યા છે. વાંકાનેડા-ચંદસર માર્ગને જોડતા જાલમખાંટ ગામ સુધી પહોંચવાનો ૩ કિમી રસ્તો કાચો હોવાથી અને ગામમાંથી પસાર થઇ ભેમપોડા ગામ સહિતના ગામડાઓને જોડે છે જો કે હાલ કાચો રસ્તો હોવાને કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને હાલાકીઓનો સામનો પડી રહ્યો છે, ગ્રામજનોએ સ્થાનિક ધારસભ્યને પણ અનેક રજૂઆતો કરી તેમ છતાં હજુ કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતા હવે ગ્રામજનોએ બાંયો ચઢાવી છે અને આગામી સમયમાં ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન સહિત ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

હાલ આ રસ્તો ધૂળિયો તેમજ કાંકરાળ હોવાથી ચોમાસામાં આ રસ્તાનો ઉપયોગ થઈ શકતો નથી જેને કારણે સ્થાનિક તેમજ આસપાસના લોકોએ લાંબુ અંતર કાપીને મોડાસા, બાયડ સહિત માલપુર જવું પડતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.