મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: આદર્શ ક્રેડિટ કો.ઓ સોસાયટીનું અબજોનું લોન કૌભાંડ બહાર આવતા મોડાસાની બ્રાન્ચમાં ગ્રાહકો રૂપિયા પરત મેળવા ઉમટ્યા હતા. ગ્રાહકોને તેમની થાપણો સામે અડધા રૂપિયાનું એનીએફટી કરવામાં આવતું હોવાનું બ્રાન્ચ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું. જીલ્લામાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મારે તેમ વધારે વ્યાજ મેળવવાના ચક્કરમાં અનેક એજન્ટો મારફતે ૧૮ કરોડ જેટલી માતબર રકમ મોડાસાની આદર્શ ક્રેડિટ કો.ઓ. માં થાપણ તરીકે મૂકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. થાપણદારોએ માથે ઓઢી રોવાનો વારો તો નહિ આવેને ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. બીજી બાજુ એજન્ટો સબસલામત હોવાનું અને રાજકીય કિન્નાખોરીનો આદર્શ ક્રેડિટ કો.ઓ.સોસાયટી ભોગ બની હોવાનું જણાવી વિશ્વાસ સંપાદન કરી ગ્રાહકોના રોષને ઠંડો પડી રહ્યા છે.
 
ગુજરાત રાજ્યમાં અનેક ઠગ ક્રેડિટ સોસાયટીઓ અને કંપનીઓની કાળી કરતૂતો બહાર આવી રહી છે. લોકોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લાલચ અને એકના ડબલ કરવાની લાલચ આપી લૂંટી રહ્યા છે. પર્લ્સ,એચવીએન અને અર્બુદા ક્રેડિટ સોસાયટીનું કરોડો રૂપિયાના ઉઠમણાં બાદ ગુજરાત ઉપરાંત રાજસ્થાન સહીત દેશના ઘણા વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવતી આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના સ્થાપક મુકેશ મોદીએ ડમી ડિપોઝિટર્સના નામ દર્શાવી બિનહિસાબી આવકની ડિપોઝિટ તરીકે મુકાવી ક્રેડિટ સોસાયટીના ખોટા ચોપડા ઉભા કરી,ડિપોઝિટર્સને લોન લેનાર તરીકે ખપાવી,કંપનીઓને થનારી આવકના અંદાજના આધારે સ્થાપકે અને સાથી ગ્રુપોને રૂ.૮૬૧૩ નું કરોડનું ધિરાણ આપી તેમજ નજીવી શેરમૂડીથી એકજ સરનામું વાપરી કાગળ પર અનેક કંપનીઓ ઉભી કરી અબજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતા કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રજિસ્ટ્રારના આદેશ બાદ તપાસ સીઆઇડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરુ કરતા અને લોભામણી સ્કીમો ની લાલચમાં ફસાઈ ફિક્સ ડિપોઝિટો મુકનાર લોકોએ પુરાવા સાથે હાજર રહેવાના નું જણાવતા થાપણદારોના રૂપિયા ડૂબી જવાનો ભય પેદા થતા ભારે ચકચાર મચી છે.

આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા કરવામાં આવેલા ખોટા ધિરાણોના કારણે ૨૧ લાખ જેટલા થાપણદારોની રૂ.૯૪૭૪ કરોડની થાપણો ખતરામાં મુકવાની સંભાવના સાથે મુદ્દલ અને વ્યાજ મળી ક્રેડિટ સોસાયટીએ રૂ.૧૨૪૩૩ કરોડોની વસૂલી બાકી હોવાની સાથે ક્રેડિટ સોસાયટીએ રૂ.૯૨૩૮ કરોડની નોન પરફોર્મિંગ એસેટ્સ ચોપડે દર્શાવી નથી. તેને માત્ર બાકી લેના તરીકે વર્ષોથી ચોપડે બતાવવામાં આવી રહી છે તેની સામે સિક્યોરિટી તરીકે ફક્ત ૬૧૨ કરોડની મિલકતો જ લેવામાં આવી હોવાથી ૨૧ લાખ જેટલા થાપણદારોના રૂપિયા ખતરો પેદા થયો છે. આ ગ્રુપ સાથે સાંકળયેલી વ્યક્તિઓ ડમી ડિરેક્ટર્સને માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી કંપનીઓને,અસોસિએટ્સ કંપનીઓને અને પેઢી ધારકોને લોન આપવાના નામે આડેધડ ધિરાણ આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

આદર્શ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના ચોપડે દર્શાવવામાં આવેલ ડીપોઝીટર્સ બોગસ કે ડમી હોવાનું તપાસમાં બહાર આવતા થોડા મહિના પહેલા સોસાયટીના સ્થાપક મુકેશ મોદી સામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના અગાઉ આક્ષેપ થયા હતા ક્રેડિટ સોસાયટીના સ્થાપક મોદી દ્વારા માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી અને એકજ સરનામું આપી ઉભી કરેલી ૧૮૦ કંપનીઓને ભવિષ્યમાં થનારી રોકડની આવકના અંદાજના આધારે ધિરાણ આપી દેવામાં આવ્યું છે. લોન લેનાર કંપનીઓના સરનામે જઈ તપાસ કરતા કંપનીઓ મોજુદ ન હોવાનું બહાર આવ્યું છે ક્રેડિટ સોસાયટી પાસે લોન લેનારાઓને ધિરાણની રકમ બીજા કામકાજ માટે ડાયવર્ટ કરી દઈને કૌભાંડ આચર્યું હોવાનું કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જુલાઈ મહિનામાં આપવામાં આવેલા નોટિસમાં જણાવ્યું હતું. 

સમગ્ર કૌભાંડ રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવા માટેની લોન તરીકે કે પછી કમિશનની આવક તરીકે રૂ.૧૦૦૦૦ થી વધુ રકમ આપવામાં આવી છે. લોન લેનાર મોટા ભાગના ગ્રુપો મુકેશ મોદીના સંબંધીઓ અને પરિવારજનોના સભ્યોના અંકુશ હેઠળ હોવાનું અને જેમાં ૧૩૨ લોકોને ૮૬૧૩ કરોડનું ધિરાણ આપી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.