મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: હાલ આપણા ત્યાં બેરોજગારીની સમસ્યા કેટલી ગંભીર છે તે સમજવા માટે કોઈ અર્થશાસ્ત્રના થોથા ઉથલાવવાની જરૂર નથી. માત્ર આંખ-કાન-ખુલ્લા રાખીને આસપાસ નજર નાખો તો પણ ખ્યાલ આવી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અરવલ્લી જીલ્લામાં ગ્રામ રક્ષક દળની ૧૦૦ જગ્યા માટે જીલ્લા પોલીસતંત્રએ ભરતી બહાર પાડતા જિલ્લામાંથી ૨૩૧૬ અરજદારોએ ફોર્મ ભર્યા હતા અને ૨૩૦૦ અરજદારો પરીક્ષા માટે પહોંચતા રાજ્યમાં બેરોજગારી ક્યાં આવીને ઉભી છે તેનો ખ્યાલ આવી જશે. જીલ્લા પોલીસતંત્ર માટે પણ ગ્રામ રક્ષક દળની પરીક્ષામાં ઉમેટલા ઉમેદવારો જોઈ આશ્ચર્ય સર્જાયું હોય તો નવાઈ નહીં..!!

ગુજરાતમાં શિક્ષીત બેરોજગારોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે રાજ્યના સરકારી ચોપડે ૪ લાખથી વધુ શિક્ષિત બેરોજગાર યુવકો નોંધાયા છે બેરોજગાર યુવકો નોકરી મેળવવા ફાંફા મારી રહ્યા છે. રાજ્યમાં પટાવાળાની સરકારી ભરતીમાં પણ એન્જીનીયર અને એમબીએ થયેલા યુવાનો સ્પર્ધા કરી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં ગ્રામ રક્ષક દળની પરીક્ષામાં ૨૩૦૦ ઉમેદવારો લેખીત કસોટી માટે મેદાનમાં ઉમટી પડતા પોલીસતંત્ર અને લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું.