મેરાન્યૂઝ નેટવર્ક, અરવલ્લી: રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત બાદ ઓનલાઈન નોંધણીથી લઈ ટેકાના ભાવે મગફળી વેચવા પહોંચતા જગતનો તાત પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં બરદાનના અભાવે મગફળીની ગુણવત્તા અને ધીમી ખરીદી થતા ખેડૂતો ૪૮ કલાક સુધી ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર બેસી રહેવું પડે છે. માલપુર ખરીદ કેન્દ્ર પર બારદાન પેકિંગના સિલાઈ મશીન બે જ હોવાની સાથે વારંવાર ખોટકાઈ જતા ખરીદેલી મગફળી કોથળામાં ભરી ખુલ્લી રાખવી પડતી હોવાથી ખરીદીની પ્રક્રિયા અટકાવવી પડે છે. બારદાન સિલાઈમાં સમય વધુ જતો હોવાથી ખરીદ પ્રક્રિયા ધીમી થતા ખેડૂતો અસહ્ય ઠંડીમાં બેસી રહેવું પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ટેકાના ભાવ કરતા ખેડૂતોને ખુલ્લા બજારમાં મણે ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનું નુકસાન થતું હોવાથી મજબૂરી વશ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

 માલપુર ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને મેસેજ કરી બોલાવી તો દેવાય છે. પરંતુ મગફળી ખરીદી કર્યા બાદ બારદાન ભરવાની અને બરદાનને સિલાઈ મારવાના બે જ મશીનો હોવાની સાથે સિલાઈ મશીન હોવાથી બગડી જતા ખરીદીની પ્રક્રિયા અટકી પડતા ખેડૂતોને બે-ત્રણ દિવસ સુધી બેસી રહેવું પડે છે. રોડની બંને સાઈડ મગફળીના વાહનોની કતાર લાગતા ટ્રાફિક સમસ્યા પણ સર્જાતા વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાનો અભાવ ખેડૂતો માટે વધુ  સંકટ પેદા કરે છે. માલપુર ખરીદ કેન્દ્ર પર ખરીદેલી મગફળી ખુલ્લામાં ભગવાન ભરોસે પડી રહ્યા છે.

માલપુર મગફળી ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર કર્મચારીઓની અને માણસોની સંખ્યા વધારવાની માંગ સાથે વજન કાંટા અને સિલાઈના મશિનો તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં પુરા પાડવામાં આવેની માંગ ખેડૂતોએ કરી હતી. અપૂરતી વ્યવસ્થાના ભોગે ખેડૂતો લાચારી અનુભવી રહ્યા છે.

માલપુર ખરીદ કેન્દ્રના મદદનીશ અધિકારી નાનજી ભાઈ વણકર સાથે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે દરોરોજ ૭૦ થી ૮૦ ખેડૂતો મગફળી વેચવા આવતા હોય છે. તેમાંથી ૫૦ થી ૬૦ ખેડૂતોની મગફળી ખરીદી થાય છે. નાની મોટી સમસ્યા થતી હોય છે. ખેડૂતોનો બીજા દિવસે પણ માલ ખરીદવામાં આવતો હોય છે. તેમ કહી ખેડૂતોની સમસ્યા થી બચવાનો પ્રયત્ન કર્યો હતો સિલાઈ મશીન અંગે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું 

મગફળી વેચાવા આવેલ ખેડૂત વિનોદ પટેલ અને રૂપાભાઇ તરારે જણાવ્યું હતું કે, બરદાનની સિલાઈ થતી ન હોવાથી કાલના ૩ વાગ્યાના બેસી રહ્યા છીએ અને સિલાઈ કામકાજ પૂર્ણ કરી તોલમાપ શરુ કરવાની માંગ કરી હતી જેથી એમનો નંબર આજે આવી શકે.