મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના એક તાલુકામાં એક મહિલા અને સરપંચ વચ્ચેના સનસનીખેજ વાર્તાલાપનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો સામાજીક અને રાજકીય આલમમાં જાણે ભૂકંપ સર્જી બેઠો હોય તેમ ચોંકાવી રહ્યો છે. ઓડીયોમાં વાત કરનાર પુરૂષ હોદ્દાની રૂએ સરપંચ છે જ્યારે સામે પીડિત મહિલા છે. (સરપંચ અને મહિલા વચ્ચે થયેલ બીભસ્ત શબ્દ પ્રયોગ અને સરપંચ મહિલાને ગંદી ગાળો આપતો ઓડીયો મેરાન્યુઝ પાસે છે પણ અહી દર્શાવી શકાય તેમ નથી).

વાતચીતની શરૂઆત સામાન્ય ચર્ચાથી થયા બાદ ગણતરીની સેકન્ડોમાં સરપંચ અત્યંત ગંદી ગાળો બોલી રહ્યા છે. જ્યારે અન્ય એક ઓડિયોમાં સરપંચ દુષ્કર્મની કબૂલાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળતાં ખળભળાટ મચી ગયો છે.

અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં અનેક ચર્ચાસ્પદ વીડિયો અને ઓડિયો વાયરલ થઇ ચૂક્યા છે. જોકે અરવલ્લી જીલ્લાના એક તાલુકાના ગામે જમીનની લે-વેચ દરમ્યાન થયેલી માથાકૂટ મોટો રાજકીય ભૂકંપ લાવે તે હદે પહોંચી હોવાનું વાયરલ થયેલા ઓડિયો આધારે સામે આવ્યુ છે. એક મહિલાએ પોતાની સાથે ખરાબ કૃત્ય થયુ હોવાનું અને જમીન પડાવી લીધા સંદર્ભે રજૂઆત કરી હતી. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશને અરજી આપ્યા બાદ સામુહિક આપઘાતની પણ મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ ચિમકી આપી હતી. 

Advertisement


 

 

 

 

 

આ રજૂઆતના સમયગાળા દરમ્યાન મહિલાને ફોન ઉપર ભયંકર હદે ગાળો બોલતાં અને દુષ્કર્મનું જણાવતાં ઓડિયો વાયરલ થતાં સનસની મચી ગઇ છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, જમીન વેચાણ બાબતે મહિલા અને સ્થાનિક સરપંચ સંપર્કમાં આવ્યા હતા. આ દરમ્યાન કોઇ કારણસર જમીન લે-વેચમાં પ્રશ્નો ઉપસ્થિત થતાં ઘટનામાં ચોંકાવનારી બાબતોનો ઘટસ્ફોટ થયો છે. જેમાં રાજ્યકક્ષાના દિગ્ગજ સહકારી આગેવાન માટે જમીન લેવા સહયોગી બનેલા સરપંચ ફોન ઉપર મહિલાને બેફામ ગાળો બોલે છે. સૌથી મોટી વાત એ છે કે, સરપંચ ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં અભદ્ર અને અત્યંત ખરાબ ગાળો બોલે છે. આ વાતનો એક ઓડિયો

વાયરલ થયો તો તેની સાથે અન્ય એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં મહિલા પોતાની સાથે કેટલાક ઇસમોએ દુષ્કર્મ કર્યાનું જણાવતાં સરપંચ આક્રોશમાં આવીને પોતે પણ દુષ્કર્મ કર્યુ છે જા, શું કરીશ ? તેવુ બોલતાં હોવાનું સંભળાય છે. 

પીડિતાએ સ્થાનિક પોલીસથી માંડી કલેક્ટર, SP અને મુખ્યમંત્રી બાદ કોર્ટના દ્વાર ખખડાવ્યા

પંથકમાં વાયરલ થયેલા ઓડિયો બાબતે વિગતો મેળવતાં ખળભળાટ મચાવી દે તેવી વિગતો સામે આવી છે. જેમાં પીડિત મહિલા સાથે એકથી વધુ ઇસમોએ એકથી વધુ વખત દુષ્કર્મ કર્યુ હોવાનું ખુદ મહિલા જણાવી રહી છે. જેમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા મથી રહેલી મહિલાએ આખરે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. આ તરફ ઉપલી કક્ષાએથી રજૂઆતની વિગતો મળતાં સ્થાનિક પોલીસ સ્ટેશને અરજીની નોંધ પાડી મહિલાનું નિવેદન મેળવવા કવાયત હાથ ધરી છે.

Advertisement


 

 

 

 

 

સફેદ ડગલાધારી સહકારી અગ્રણીનું મહોરું બની સરપંચે આપી અભદ્ર ગાળો...

સહકારી ક્ષેત્રે મોટી નામના ધરાવતા સફેદ ડગલાધારી નેતાજીના પુત્રએ પીડિત મહિલાની થોડી ઘણી જમીન વેચાતી રાખી હતી પરંતુ સોનાની લગડી સમાન બાકીની જમીન પર અગ્રણીના પુત્રનો કાળો ડોળો ભમતો હોવાથી આ જમીન લેવા તેણે પ્રયાસો શરૂ કરી દીધા હતા પરંતુ આ મહિલા જમીન વેચવા સહેલાઈથી તૈયાર ન હોવાનું જણાતા જમીન શામ, દામ, દંડ અને ભેદથી હસ્તગત કરવા જે તે વિસ્તારના સરપંચને જવાબદારી સોંપવામાં આવી હતી. એટલે કે ચોક્કસ કહી શકાય કે સમગ્ર ઘટના પાછળ સહકારી અગ્રણીના પુત્રને પિતાના નામના પીઠબળથી જ આ પ્રકારના કાળા કૃત્ય કરવા પ્રેરણા મળી હોઈ શકે છે.