મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામજોધપુર એસટી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા અધિકારી અને એટીઈ તરીકે ફરજ પર રહેલ કર્મચારીને ફોન કરી અત્રે ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીની રજા મંજુર કરવા ત્રણ વખત મોબાઈલ ફોન પર ધમકી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક એસટી ડેપો મેનેજર દ્વારા પોલીસ દફતરમાં વિસ્તૃત અરજી રૂપે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે જે તે મોબાઈલ નંબર પરથી ફોન કરવામાં આવ્યા છે તે વ્યક્તિઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. 

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે આવેલ એસટી બસ ડેપોમાં છેલા ત્રણ વર્ષથી ફરજ બજાવતા કનકસિંહ જાડેજાને ગત તા. ૧ લીના રોજ ૯૯૦૪૦૫૮૬૬૬ નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામે છેડેથી વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ નથવાણીભાઈ તરીકેની આપી પોતે અમદાવાદ ખાતેની સેન્ટ્રલ ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. અત્રે ફિક્સ પગારમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ઉષાબેન ડામોરને તા. ૨જીના રોજ રજા આપવાની વાત કરી હતી. જો રજા મંજુર નહીં કરવામાં આવે તો મહિલા કંડકટર સાથે છેડતી કર્યાની ફરિયાદ કરવામાં આવશે, આ ફરિયાદ એમડી સોનલ મિશ્રાને પણ ફોરવર્ડ કરવામાં આવશે.

આ ઉપરાંત અત્રે ડેપોમાં એટીઈ તરીકે ફરજ બજાવતા અજીતસિંહ જાડેજાને પણ બે વખત ફોન કરી સામે છેડેથી ઉષાબેનની રજા મંજુર કરવા બાબતે માનસિક ત્રાસ આપી દબાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણની ડેપો મેનેજર જાડેજાએ સ્થાનિક પોલીસમાં અરજી કરી કાયદેસર ફરિયાદ નોંધવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર એસટી ડેપોના ઉચ્ચ અધિકારી સામે મહિલા કર્મચારીએ કરેલ હેરેસમેન્ટની ફરિયાદની શાહી સુકાઈ નથી ત્યાં મહિલા કર્મચારીના નામે મેનેજર પર કરવામાં આવેલ દબાણને લઈને ચર્ચા જગાવી છે. પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.