જયેશ મેવાડા (મેરાન્યૂઝ, ગાંધીનગર):  ગુજરાત વિધાનસભાની છેલ્લી યોજાયેલી ચૂંટણીમાં અપેક્ષા કરતાં વધારે જન સમર્થન મેળવનાર કોંગ્રેસ પક્ષ દ્વારા 300 નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી આગામી લોકસભાની ચૂંટણી માટે સંગઠન મજબૂત બનવાના બદલે જૂથબંધી સાથે વધુ એક ભંગાણ પડે તેવી સંભાવના છે. આ યાદીથી ઘણાં કોંગ્રેસીઓ બાપુના નેતૃત્વવાળા કોંગ્રેસમાં જોડાઈ જવાની શક્યતા છે.

કોંગ્રેસ દ્વારા છેલ્લે નિમાયેલા કાર્યકારી પ્રમુખોની બાદબાકી કરવા સાથે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા જનરલ સેક્રેટરી ઇન્દ્રવિજયસિંહને આઉટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ઘણા વિલંબ બાદ નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. 300 હોદ્દેદારોના માળખામાં ઘણા નવા ચહેરાનો સમાવેશ કરવા સાથે કેટલાક દિગ્ગજોને પડતા મૂકવામાં આવ્યા છે. તેમાં કોંગ્રેસ પક્ષમાં આજદિન સુધી રહેલી જૂથબંધીને સાચવવા માટેનો પ્રમુખ અમિત ચાવડાએ કરેલો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે સંગઠન માટે ચાલી રહેલી ખેંચતાણ પણ સપાટી પર આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણી વખતે બનાવાયેલા ચાર કાર્યકારી પ્રમુખમાંથી તુષાર ચૌધરી અને કરસનદાસ સોનેરીને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે કુંવરજી બાવળીયા પહેલેથી જ પક્ષ છોડીને ભાજપ સરકારમાં મંત્રી બની ગયા છે. આ ઉપરાંત ભરતસિંહ સોલંકીના પ્રમુખ પદે અઢીસો હોદ્દેદારોનો છેલ્લે ઉમેરો કરવામાં આવ્યો હતો. તેમાંથી મોટાભાગનાને પડતા મૂકવામાં આવ્યા છે. સૌથી ધ્યાન ખેંચે તેવી બાબતમાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસમાં પ્રમુખ રહેલાં જનરલ સેક્રેટરી ઇન્દ્રવિજયસિંહ ગોહિલને આઉટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભરતસિંહ સોલંકીના ખાસમખાસ ગણાતા સંદીપ પટેલને ખજાનચી બનાવી ભારે આશ્ચર્ય સર્જવામાં આવ્યું છે. તો આ યાદીમાં અહેમદ પટેલના ઊંચા રહેલા હાથમાં રીધમ ભટ્ટને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા 11 પ્રવક્તાઓની જાહેર કરાયેલી ફોજમાં પહેલીવાર ચિફ સ્પોકમેન બનાવીને આશ્ચર્ય સર્જવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખની વાહ વાહ કરી આજદિન સુધી ચીટકી રહેલા મનીષ દોશી સામે આગેવાનો અને કાર્યકરોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે 33 ટકા અનામતની વાતો કરતા કોંગ્રેસ દ્વારા આ 300ના જમ્બો માળખામાં દસ જેટલા મહિલા આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ યાદીમાં ઘણા જિલ્લાઓને સ્થાન નહીં મળવા સાથે યુવાનો અને જ્ઞાતિનું ધોરણ પણ જળવાયું નથી. લોકસભાની આગામી ચૂંટણી માટે સંગઠન મજબૂત બનાવવાના હેતુથી 300 હોદ્દેદારોની ફોજ ઊભી કરવામાં આવી છે. પરંતુ આ યાદી પ્રમાણે કોંગ્રેસમાં વધુ રોષ ફેલાય તેવી સંભાવના છે.