મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ હજુ તો થોડા સમય પૂર્વે જ સુરતના રિંગ રોડ પર કાપડ માર્કેટમાં એક યુવાનને ચોર સમજી ચાર યુવાનોને ઢોર માર માર્યો, હાથ બાંધી તેને માર્કેટ વિસ્તારમાં ફેરવ્યો, તેનુ સરઘસ કાઢ્યું. આ ઘટના હજુ તો તાજી જ છે ત્યાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં રિક્ષામાંથી કાપડનાં પોટલાં ઉતારવાની મજૂરી કરી રહેલા બે શ્રમિક યુવાનોને બે-ત્રણ અસામાજિક તત્ત્વોએ અત્યંત બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે સલાબતપુરા પોલીસનો ડર અસામાજિક તત્ત્વો પરથી જતો રહ્યો હોવાની વાતને લઈ ગુનેગારોને મોકળું મેગાન મળી ગયું હોઈ તેવી વિકટ સ્થિતિ ઉદભવી છે.

ચાર દિવસ પૂર્વેની આ ઘટના છે. જેમાં માર્કેટ વિસ્તારમાં તા. 11મી મેના રોજ રાત્રે બે યુવાનો રિક્ષામાંથી પાર્સલ ઉતારી રહ્યા હતા. એ સમયે બાઇક પર ત્રણ અજાણ્યા યુવાનો ત્યાં પહોંચ્યા. પહેલા બન્ને શ્રમિક યુવાનો પર ગાળોનો વરસાદ વરસાવ્યો. ત્યાર બાદ ઢોર માર માર્યો. જતા જતા મારી નાખવાની ધમકી પણ આપતા ગયા.

શ્રમિક યુવાનોએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ તો કરી પણ પોલીસે કોઈ અસરકારક કામગીરી ન કરતાં અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેની પાછળ સલાબતપુરા પોલીસની પણ ભૂંડી ભૂમિકા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ઘટનાના ચાર દિવસ પછી વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. અત્યાર સુધી કોઈ પણ જાતનાં પગલાં લીધા વગર જ માથે હાથ દઈ બેસી રહેલી સલાબતપુરા પોલીસને હવે વીડિયો વાયરલ થતાં ઉપરી અધિકારી પાસે ખુલાસા કરવાનો વખત આવતા પોલીસ હાંફળીફાંફળી હની માર મારનારાઓને શોધવાના કામે લાગી છે.