મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં 170 કરોડના બિટકોઇન અંગે નોંધાયેલી બે જુદી જુદી ફરિયાદની હાલમાં તપાસ ચાલુ છે દરમિયાન સુરતના એક બિલ્ડરને બિટકોઇનમાં રોકાણ કરવાના બહાને 14 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે. જેમાં કુલ છ આરોપીઓ છે જેમાં પોલીસ ઈન્સપેકટર લવ ડાભી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા સામે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને સુરતના બિલ્ડર ચેતન ગોરઘનભાઈ ગાંગાણી સાથે રૂપિયા 14 કરોડની ઠગાઈ થઈ હોવાની અરજી થઈ હતી. આ  મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા ક્રાઈમ બ્રાન્ચે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.  હાલમાં આ ફરિયાદ 14 કરોડની થઈ છે પણ આ ફરિયાદ પછી બીજા રોકાણકારો પણ ફરિયાદ કરવા આવે તેવી સંભાવના છે. ચેતન ગાંગાણીની ફરિયાદ પ્રમાણે સુરતના રોહિત કપોપરા દ્વારા ચેતનને બિટકોઇનમાં રોકાણ કરવા માટે લાલચ આપવામાં આવી હતી જેમાં મર્સીડીઝ કાર પણ ભેટમાં આપી હતી.

ચેતનની ફરિયાદ પ્રમાણે રોહીતે પહેલા બિટકોઇનમાં રોકાણ કરવા સમજાવ્યા બાદમાં તેણે એનસીઆર નામના કોઈનમાં રોકાણ કરવા સમજાવી 14 કરોડનું રોકાણ કરાવ્યુ હતું, પણ જેમ જેમ સમય ગયો ચેતનને સમજાવ્યુ કે એનસીઆર કોઈન બજારમાં કોઈ ખરીદતુ નથી અને તેનું રોકડમાં રૂપાતરણ પણ થઈ રહ્યુ નથી. આથી ચેતને પોતાના પૈસા પરત આપવાની માગણી કરી હતી  ત્યારે રોહીતે એનસીઆર કોઈનનું રજીસ્ટ્રેશન થઈ રહ્યુ છે તેવુ બહાનું બતાડ્યુ હતું. આ દરમિયાન ચેતનને જાણકારી મળી હતી કે 14 કરોડ પૈકી આઠ કરોડના કોઈન જે તે વખતે કામરેજ પોલીસ સ્ટેશનમાં સ્ટેશનમાં ફરજ બજાવતા લવ ડાભી નામના પોલીસ ઈન્સપેક્ટરના એકાઉન્ટમાં પણ જમા થયા હતા.

પોતાના પૈસા પરત લેવા માટે છેલ્લાં નવ મહિનાથી પ્રયત્ન કરતા ચેતનને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવતા તેણે ફરિયાદ નોંધાવી છે. ચેતનના દાવા પ્રમાણે ગુજરાતના અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યુ હતું પણ તમામ સાથે ઠગાઈ થઈ છે. જેથી હવે ઠગાઈનો આંક વઘે તેવી સંભાવના છે. હાલમાં ઈન્સપેક્ટર લવ ડાભી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવે છે.