મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ગૌચર જમીન ઉપર થતા દબાણો સામે એનિમલ વેલ્ફેર બોર્ડને પોલીસ ફરિયાદ કરવા સુધીની સત્તાઓ હોવાનું જણાવતા ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ એસ.પી.ગુપ્તાએ પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયથી નિરાશ્રિત પશુ-પક્ષીઓને આશ્રય આપતી જીવદયા સંસ્થાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ધ્વારા રેગ્યુલાઈઝડ કરવામાં આવે તો આ બોર્ડ તેમજ સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવી શકાય.ગુજરાતમાં રાજ્યકક્ષાના એનિમલ વેલ્ફેર બોર્ડમાં ૨૦૦૮ પછી કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.

ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડમાં નવનિયુક્ત અધ્યક્ષ અને હરિયાણાના નિવૃત મુખ્ય સચિવ એસ.પી.ગુપ્તા આજે ગાંધીનગરમાં પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ તેમજ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજ્યકક્ષાના એનિમલ વેલ્ફેર બોર્ડ અને જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીને કાર્યવંત કરવા સાથે પુરતું બજેટ ફાળવી પ્રાણી કલ્યાણ અંગેના અભિયાનને વેગવંતુ બનાવવા પણ ચર્ચા કરી હતી. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,આ બોર્ડ પાસે વ્યાપક સત્તાઓ હોવા છતાં કોઈ એક્શન લેવામાં આવતા નથી. ગુજરાતમાં પેટલાદ નજીકના ધર્મજ ખાતે ગૌચર અને ખરાબાની જમીનનો ઉપયોગ કરી સરસ વિકાસ કરવામાં આવ્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ગૌચરની જમીન હડપ કરનાર કે દબાણો માટે બોર્ડ દ્વારા જ પોલીસ ફરિયાદ કરવી જોઈએ. અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સ્થિતિ સારી હોવાનું જણાવતા ગુજરાતના કરુણા અભિયાનનો અન્ય રાજ્યોમાં પણ અમલ કરવા જણાવ્યું હોવાનું ઉમેર્યું હતું. એસ.પી.ગુપ્તાએ પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયથી નિરાશ્રિત પશુ-પક્ષીઓને આશ્રય આપતી જીવદયા સંસ્થાઓને પંચાયત કે નગરપાલિકા દ્વારા રેગ્યુલાઈઝડ કરવામાં આવે તો આ બોર્ડ તેમજ સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવી શકાય. તેમણે ૫૦ એકરથી વધારે ગૌચર કે ખરાબાની જમીનમાં વિકાસ કરનારને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.