મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: આંદામાન-નિકોબાર પોલીસે સ્થાનિક સલાયા પોલીસને સાથે રાખી છેલ્લા સાત દિવસની જહેમત બાદ એક શખ્સને છેતરપીંડી કેસમાં પકડી પાડ્યો છે. પોર્ટ બ્લેરની પેઢીનો રૂા.8.85 લાખનો ચેક ચોરી કરી વટાવી લીધો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોર્ટ બ્લેર પોલીસ આ શખ્સને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્સફર વોરંટ મેળવી પરત રવાના થઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રહેતો સલેમાન અબ્બાસ બદરી નામનો શખ્સ વર્ષ 2015ના એપ્રિલથી જુલાઇ સુધીના ગાળા દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુના પોર્ટ બ્લેર ખાતે આવેલ રોયલ એન્જીનીયરીંગ નામની પેઢીમાં નોકરીએ જોડાયો હતો. નોકરી દરમિયાન આ શખ્સ પેઢીના નામનો રૂા.8,85,831 નો ચેક ચોરી કરી, નોકરી છોડી સલાયા આવી ગયો હતો. દરમિયાન વર્ષ 2015માં નવેમ્બર માસમાં કંપનીના પી.જયરામને પોર્ટ બ્લેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સલાયા આવી ચુકેલા સલેમાને ખંભાળિયાની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં ખાતુ ખોલાવી ઉપરોક્ત રકમનો ચેક વટાવી લીધો હતો. દરમિયાન આ શખ્સના સગડ મળતા પોર્ટ બ્લેર પોલીસના પીએસઆઇ દિનેશ મીણા અને કેશવકુમાર છેલ્લા એક સપ્તાહથી સલાયામાં આવી ગયા હતાં. અને સ્થાનિક પોલીસની મદદથી વોચ ગોઠવી આજે સલેમાનને પકડી પાડયો હતો. દરમિયાન પોલીસે ખંભાળિયા કોર્ટમાં રજૂ કરી આરોપીનો ટ્રાન્સફર વોરંટ કબ્જો મેળવ્યો હતો. જેને લઇને આંદામાન-નિકોબાર પોલીસ પરત રવાના થઇ છે.