મેરાન્યૂઝ નેટવર્ક, અમરેલી: રાજુલા નજીક ખાખબાઇ ગામની ધાતરવડી નદીમાં ગામના જ માલધારી આધેડ પાણીના પ્રવાહમાં તણાયા હતા. 12 કલાક બાદ પણ વૃદ્ધનો પત્તો ન લાગતા માલધારીની શોધખોળ કરવા માટે પૂર્વ સંસદિય સચિવ હિરા સોલંકીએ આ ધાતરવાડી નદીમાં NDRF ની ટીમ સાથે છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં MLA અંબરીશ ડેર પણ દોડી ગયા હતા. અને આધેડની શોધખોળ શરૂ કરી છે. જો કે તેમ છતાં માલધારી આધેડનો કોઇ પત્તો ન લાગતા પરિવાર ચિંતાતુર બન્યો છે. પરંતુ બંને આગેવાનોની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.

ખાખબાઈ ગામ અને રાજુલાની વચ્ચે આવેલી ધાતરવડી નદીમાં 42 વર્ષીય ભોજભાઈ મેરૂભાઇ ગોલીડર પાણીના પ્રવાહમાં તણાયા હતા. આજરોજ NDRFની ટિમ દ્વારા આ આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ સંદીય સચિવ હીરાભાઈ સોલંકીને આ અંગે જાણ થતાં તેમણે નદીમાં છલાંગ લગાવી હતી. અને ઉભી નદીમાં હિંડોરણા પહોંચ્યા છે. જ્યાં NDRF ની ટિમ સહિત હીરાભાઈના કાફલા દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઘટનાના સમાચાર મળતા ચાલુ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર પણ તેમના કાર્યકરો ટેકેદારો સાથે પહોંચ્યા છે. હાલ માલધારી આધેડ ખુબ દૂર પાણીના પ્રવાહમાં તણાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે આ બંને આગેવાનોની શોધખોળ છતાં આધેડનો પતો ન મળતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે. પરંતુ હીરાભાઈ સોલંકી અને અંબરીશ ડેરની આ કામગીરીની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે,  2 વર્ષ પહેલા આ જ  નદીમાં 3 બાળકો ડૂબી ગયાની ઘટના વખતે પણ હીરાભાઈ સોલંકીએ અહીં છલાંગ લગાવી હતી.