મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: તાજેતરમાં એક દેવીપૂજક યુવાને સ્વબચાવમાં સિંહણને કુહાડી માર્યાનો બનાવ સામે આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ યુવાન પર કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી યુવાનના સમર્થનમાં આવ્યા છે. આ અંગે સંધાણીએ જણાવ્યું હતું કે, આવા સાહસિક યુવાનોને જાહેરમાં ઇનામ આપી સન્માન થવું જોઇએ. જેને બદલે વનવિભાગ દ્વારા તેને જેલમાં પૂરી દેવામાં આવે છે. આઝાદી પછી વિવિધ કાયદામાં અનેક ફેરફારો થયા છે. પણ વન વિભાગમાં હજી સુધી એક જ કાયદો છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગીરમાંથી હવે સિંહો, દીપડાઓ સહિતના જંગલી પ્રાણીઓ અમરેલીના ગામડાઓ સુધી પહોંચ્યા છે. વન્યપ્રાણી દ્વારા માનવ પર થતા હુમલામાં કોઇ કાયદો કે જોગવાઇ નથી. ખેતમજૂરો અને પશુપાલકો તેમજ ખેડૂતો પર જંગલી પ્રાણીઓ દ્વારા હુમલા થતા હોવાની ઘટનાઓમાં થતી તમામ નુકસાની ભોગ બનનારે ભોગવવી પડે છે. પરંતુ કોઈ માનવી પોતાના સ્વબચાવમાં વન્યપ્રાણીઓ પર હુમલો કરે તો વનવિભાગ દ્વારા તેના પર કાયદેસરની કાર્યવાહી થાય છે. હાલમાં મનુભાઇ નામના યુવાને સ્વબચાવમાં સિંહણ પર કુહાડી ઝીંકી હતી. મારી દ્રષ્ટીએ તો આવા સાહસિક યુવાનોને જાહેરમાં ઇનામ આપી સન્માનિત કરવાની જરૂર છે.