મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી : ચાલુવર્ષે નબળા ચોમાસાને પગલે પાક નિષ્ફળ જતા ઠેર-ઠેર ખેડૂતો આર્થિક સંકડામણથી કંટાળીને જીવ ટૂંકાવી રહ્યા છે. ત્યારે દામનગરના સુવાગઢ ગામે વધુ એક ખેડૂતે મોતને વ્હાલું કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. મંડળીમાંથી ધીરાણ લીધા બાદ પૈસાની સગવડ ન થતા ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું. 

દામનગર તાલુકાના સુવાગઢ ગામે રહેતા અને ખેતી કરતા દામજીભાઇ જીવાભાઇ મકવાણાએ મંડળીમાંથી 2.75 લાખનું ધિરાણ લીધું હતું. પરંતુ આ રકમ ચૂકવવા માટેની સગવડ ન થતા આર્થિક ભીંસથી કંટાળી પોતાની વાડીના મકાનમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘટનાને પગલે દામનગર પોલીસે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.